મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લા કલેકટરશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની એક દિવસીય સંયુક્ત પરિષદનો રાજ્યના મંત્રીશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બનાવવામાં કલેકટર-ડી.ડી.ઓ. અને તેમની ટીમના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવતાં જણાવ્યું હતું કે, સરકાર અને અમલીકરણ અધિકારીઓ તથા જિલ્લાના વહીવટી વડાઓએ જનતાને સેવા-સુવિધાઓ અને કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડવાના માધ્યમ બનવાનું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કલેકટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ આ જવાબદારી કર્તવ્યના ભાવ સાથે નિભાવે તે અપેક્ષિત છે.
મુખ્યમંત્રીશ્રીએ ‘ઝિરો ટોલરન્સ અગેઈન્સ્ટ કરપ્શન’નો નિર્ધાર દોહરાવવાની સાથોસાથ લોક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટેની સુદ્રઢ વ્યવસ્થા જિલ્લા સ્તરે જ ઊભી કરી નાગરિકોને ‘સ્વાગત’માં આવવું જ ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવા દિશાનિર્દેશ આપ્યા હતા.