*અણુમાલા ટાઉનશીપ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો*⋅
–
*પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તેમજ સ્ટોલ પર મહિલા ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા*
—
*અનાજ કોઈ ફેકટરીમાં બનતું નથી, ખેડૂતો ઉત્પાદિત કરે છે માટે વડાપ્રધાને ખેડૂતલક્ષી યોજનાઓ બનાવી છે: સાંસદ શ્રી પરભુભાઈ વસાવા*
–
*માહિતી બ્યુરો, તાપી, તા.04* આત્મા પ્રોજેક્ટ, તાપી દ્વારા વ્યારા તાલુકાના અણુમાલા ટાઉનશીપ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તેમજ પ્રદર્શન યોજાયું હતું. આ પરિસંવાદ સમારંભમાં અધ્યક્ષ તરીકે બારડોલી મતવિસ્તારના સાંસદ શ્રી પ્રભુ ભાઈ વસાવા પધાર્યા હતા. પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત બને તથા દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને તેના માટે રાજ્ય સરકાર દ્વારા આ પ્રાકૃતિક પરિસંવાદ આયોજિત કરવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કરેલ છે જેના અનુસંધાને તાપી જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગૃતતા લાવવા આવા સેમીનાર યોજી ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે.
આ પરિસંવાદમાં ૨૫ જેટલા ખેડૂતો અને ખેડૂત સંચાલિત મંડળીઓના સ્ટોલ મુકવામાં આવ્યા હતા. આ સ્ટોલનું ઉદ્દઘાટન શ્રી પ્રભુભાઈ વસાવા તેમજ અન્ય મહાનુભાવોએ રીબીન કાપી કર્યું હતું. આ નિમિતે સાંસદ શ્રી પ્રભુભાઈએ જણાવ્યું હતું કે આનાજ એ માનવ જીવન સાથે જોડાયેલ બાબત છે. માણસને પાણી અને અનાજ વગર ચાલતું નથી, આ જરૂરિયાત આપણો ખેડૂત પૂરી કરે છે. આ અનાજ કોઈ ફેક્ટરીમાં નથી બનતું. આપણા પ્રધાનમંત્રીશ્રીએ ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ યોજના રજુ કરીને ખેડૂતોની વહારે આવ્યા છે. આ કિસાન સન્માન નિધિમાં આપણા જીલ્લામાં ૫૪ કરોડના લાભો આપવામાં આવ્યા છે. આપણા જીલ્લાના ૯૦ હજાર ખેડૂત મિત્રો બેંક સાથે જોડાયેલા છે.
વધુમાં સાંસદશ્રીએ ઉમેર્યુ હતુ કે, તાપી જીલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત યોજનાઓમાં ૨૭ હજાર જેટલા ખેડૂતો જોડાયેલા છે જેમના ૯૦ ટકા મહિલા ખેડૂત સભ્યો છે. આજે આ પરિસંવાદમાં પણ બહેનોની વિશેષ ઉપસ્થિતિ છે આપણા જીલ્લામાં ખેતી, પશુપાલન અને હવે તો નોકરી પણ બહેનો કરે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અતિ પછાત કોટવાડીયા સમાજને પણ ખેતી આધારિત કિસાન સન્માન નિધિ દ્વારા ૨ કરોડ જેટલી મોટી રકમની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે.
આ પરિસંવાદમાં કૃષિ વૈજ્ઞાનિકોના પ્રવચનો ખેડૂત માટે આયોજિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી અને શ્રી મોહનભાઈ ઢોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી. એન. શાહ તેમજ સફળ ખેડૂતોએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. લીડ બેંક મેનેજરશ્રી જેઠવાએ ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડ તેમજ ખેડૂતોએ સાયબર ક્રાઈમથી કેમ બચવું તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રકૃતિક કૃષિ પરીસંવાદ માં એન.પી.સી.આઈ.એલના સાઈટ ડાયરેક્ટર શ્રી એસ.કે માલવિયા, આત્માના ડાયરેક્ટર શ્રી એ.કે પટેલ, ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી તેમજ પરિસંવાદમાં મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો જોડાયા હતા.
૦૦૦