*બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના કુશળ કાઉન્સેલિંગ દ્વારા વારંવાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી 15 વર્ષની કિશોરીનું તેમના પરીવાર સાથે સુખદ સમાધાન કરવામાં આવ્યું.*
પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૫ વર્ષની કિશોરીના પરીવાર ના સભ્યો દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમની દીકરી વારંવાર ઘરે થી એકલી બહાર નીકળી જાય છે અને જો કોઇ કશું કહે તો આત્મહત્યા કરવાની ધમકીઓ આપે છે. તેથી અમારી દિકરીનું કાઉન્સેલિંગ કરવા માટે ૧૮૧ ની મદદ ની જરૂર છે.
જેના પગલે 181 ના કાઉન્સેલર પટેલ ખુશ્બુ,મહિલા હેડ કોન્સ્ટેબલ ચૌધરી ચંદ્રિકાબેન તેમજ પાઈલોટ શેખ અકરમભાઈ તાત્કાલિક બારડોલી થી નીકળી ઘટના સ્થળે કિશોરી અને તેમના પરીવારના સભ્યો ની મદદ માટે પહોંચ્યા. ઘટનાસ્થળે રૂબરૂમાં કિશોરીની સાથે વાતચીત કરી તેમની પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેઓ ખૂબ જ ગભરાયેલા હોય તેથી કશું બોલતા ન હતા. કિશોરી પાસેથી સંતોષકારક જવાબ ન મળતા તેમના પરિવારના સભ્યોને પૂછપરછ કરેલ ત્યારે જાણવા મળ્યું કે કિશોરીના માતા-પિતા મુંબઈ રહે છે અને હાલ કિશોરીની ઉંમર ૧૫ વર્ષની છે. કિશોરી પણ તેમના માતા પિતા સાથે મુંબઈ જ રહેતા હતા અને ત્યાં જ અભ્યાસ કરતા હતા પરંતુ કિશોરી તેમના અભ્યાસમાં પુરતું ધ્યાન આપતા ન હતાં તેમજ યુવકો સાથે મિત્રતા કરતા હતા સ્કૂલ જવાનું કહી ને તેમના યુવક મિત્ર સાથે પાર્કમાં બેઠા રહેતા અને ગમે ત્યાં ફરવા જતા રહેતા હતા એવું વારંવાર કરવાથી કિશોરીનું સ્કૂલ જવાનું પણ તેમના માતા પિતાએ બંધ કરાવી દીધું હતું. પરંતુ દીકરીનું ભવિષ્ય ખરાબ ન થયા એટલા માટે કિશોરીને ક્લાસીસ કરવા માટે મોકલતા હતા. જેથી તેઓ 10 મા ધોરણની પરીક્ષા આપી શકે. કિશોરી એ ક્લાસીસ જતાં હતાં ત્યાં પણ એવું જ વર્તન કરતાં હતા. કિશોરીને તેમના માતા પિતા ઠપકો આપે તો આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હતા અને આત્મહત્યા કરી લેવાની ધમકીઓ આપતા હતા. કિશોરીના માતા પિતાએ વિચાર્યું કે જો કિશોરીને મુંબઈ થી બીજી કોઈ જગ્યાએ મોકલી આપીશું તો તેમના વર્તનમાં સુધારો આવશે તેથી કિશોરીને તેમના ભાઈના ઘરે સૂરત રહેવા મોકલી આપ્યા હતા. અહીં આવ્યા ને એક જ મહીનો થયો હતો. એક દિવસ પહેલા કિશોરી તેમના ભાઈના ઘરે થી એકલાં કોઇને પણ જાણ કર્યા વગર નીકળી ગયા હતાં અને આખી રાત ઘરે આવ્યા ન હતાં. કિશોરીના પરિવારના સભ્યોએ તેમની શોધખોળ કરી ત્યારે તેમની સોસાયટીના બાજૂમાં આવેલ પાર્કમાંથી મળી આવ્યા હતાં. ત્યારબાદ કિશોરીના ભાઈએ બનેલ ધટના ની જાણ તેમના માતા પિતાને કરી ત્યારે તેમનાં માતા પિતા એ જણાવેલ કે કિશોરી ને ફરી અહીં મુંબઈ લઈ આવો. પરંતુ કિશોરી મુંબઈ જવા માટે તૈયાર ન હતી અને આત્મહત્યા કરી લેવાની ધમકીઓ આપતી હતી.
181 ટીમ દ્વારા કિશોરી સાથે શાંતિપૂર્વક વાતચીત કરી આશ્વાસન આપેલ ત્યારે કિશોરીએ જણાવેલ કે તેમના માતા પિતા અને ભાઈ તેમને ખુબ જ સારી રીતે રાખે છે અને પરિવારના સભ્યોએ જણાવેલ તમામ બાબતો સાચી છે. કિશોરી વારંવાર એક જ વાત કહી રહ્યા હતા કે હું મારા માતા પિતા કે પરિવાર કે અન્ય કોઈ પણ સભ્યોના ઘરે રહેવા માંગતી નથી. મારે એકલું રહેવુ છે. હું બધા થી અલગ રહેવા માગું છું. હું નોકરી કરીશ, મારે કોઈ ની જરૂર નથી. તેથી કિશોરીનું કાઉન્સેલિંગ કરી તેમને સમજાવેલ કે હાલ તમે અભ્યાસ પણ પૂર્ણ કરેલ નથી અને ૧૮ વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિઓ માટે ઘણા મહત્વના કાયદાઓ ઘડવામાં આવ્યા છે. કિશોરી અવાર નવાર આત્મહત્યા કરી લેવાનું કહેતા હોય તેથી કિશોરીને જણાવેલ કે આત્મહત્યા કરી લેવુ એ કોઈ સમસ્યાનું નિવારણ નથી માટે ક્યારેય જીવનમાં આત્મહત્યા કરવાનો વિચાર કરવો નહીં. કિશોરીને સમજાવેલ કે તમે હાલ જે વર્તન કરી રહ્યા છો એ યોગ્ય નથી. અને તમે અવાર નવાર આવું વર્તન કરી ને તમારા માતા પિતા અને પરિવારના સભ્યોને ખૂબ જ હેરાનગતિ આપી રહ્યા છો. કિશોરીને અસરકારકતાથી કાયદાકીય સમજણ આપતા કિશોરીએ જણાવેલ કે તેઓ આ તમામ કાયદાઓથી અજાણ હતા. કિશોરીએ તેમની ભૂલ સ્વીકાર કરી. ત્યારબાદ કાઉન્સેલિંગ દરમ્યાન બંને પક્ષને સાથે રાખીને ઝીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કર્યા બાદ કાયદાકીય સલાહ, સૂચન,માર્ગદર્શન આપેલ. કિશોરી તેમના માતા પિતા ના ઘરે રહેવા જવા માટે રાજીખુશી તૈયાર હતા અને હવે પછી ક્યારેય પણ આત્મહત્યા કરવાનો વિચાર કરશે નહીં અને સારી રીતે અભ્યાસ કરશે તેવું જણાવ્યું હતું.
*આમ, કિશોરીનું તેમના પરીવાર સાથે સુખદ સમાધાન થતાં કિશોરીના પરિવારએ આનંદની લાગણી વ્યક્ત કરી અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.*