*માંડવી તાલુકાના તારાપુર ગામે રૂ.૨૫ લાખના ખર્ચે નવનિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિ
———
સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની વિશેષ ઉપસ્થિતિ*
પુસ્તકાલય નિર્માણથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બાળકોએ ગામ છોડી અન્યત્ર જવું નહીં પડેઃ મંત્રી કુંવરજીભાઇ હળપતિ
આદિવાસી વિસ્તારમાં નિર્માણ પામેલાં અતિ અત્યાધુનિક પુસ્તકાલય યુવા પેઢીને ઉપયોગી બનશેઃ સાસંદ પ્રભુભાઇ વસાવા
પુસ્તકાલયમાં વાઇફાઈ, એસી, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધા
———
સુરતઃશનિવાર: માંડવી તાલુકાના તારાપુર ગામે જનભાગીદારી થકી રૂ. ૨૫ લાખના ખર્ચે નવનિર્મિત ‘માયરા સાર્વજનિક પુસ્તકાલય’નું આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સાંસદ પ્રભુભાઈ વસાવા અમે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પુસ્તકાલય વાઇફાઈ, એસી, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાથી સજ્જ છે, જેમાં તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી લેટેસ્ટ પુસ્તકોનો ખજાનો છે. ઉમદા બેઠક વ્યવસ્થા, રમણીય વાતાવરણ સાથે પીવાના શુદ્ધ ઠંડાપાણી માટે કુલરની સુવિધા ઉપલબ્ધ છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ ગામમા નિર્મિત પુસ્તકાલય માટે ગ્રામજનો, યુવાનોને અભિનંદન આપી ગામના બાળકો અને યુવા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બાળકોએ ગામ છોડી અન્યત્ર જવું નહીં પડે. તેઓ ઘરઆંગણે જ લાઈબ્રેરીનો લાભ લઇ ઉચ્ચ શિક્ષણ કે અન્ય પરીક્ષાઓની તૈયારી કરી પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી પરિવાર સાથે ગામ, શહેર કે રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકશે.
શ્રી હળપતિએ વધુમાં જણાવ્યું હતું કે, માંડવી તાલુકાના પ્રત્યેક ગામોના યુવા અને મહિલાઓના સશક્તિકરણ સાથે સર્વાંગી વિકાસ સાધી સ્માર્ટ વિલેજ બનાવવાનો અમે સંકલ્પ કર્યો છે. રાજ્ય સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના માનવીની સુવિધામાં વધારો થાય તેવા લક્ષ્ય સાથે કાર્ય કરી રહી છે. ત્યારે માંડવી તાલુકાના ગામોમાં થઈ રહેલા વિકાસકાર્યો દ્વારા ગ્રામજનોના જીવનધોરણમાં ઉત્તરોત્તર સુધારો કરવાનું લક્ષ્ય છે.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવતા કહ્યું હતું કે, શિક્ષિત વર્ગ સાચી અને લોકહિતની વાતને સમાજના દરેક સ્તર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ગરીબ અને આદિવાસી બંધુઓને કેન્દ્રમાં રાખીને અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે, ત્યારે આદિવાસી વિસ્તારમાં નિર્માણ પામેલાં અતિ અત્યાધુનિક પુસ્તકાલય યુવા પેઢીને ઉપયોગી બનશે. અંતિરીયાળ આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક જાગૃતિ માટે, યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય અને તમામ વર્ગના યુવાઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય પ્લેફોર્મ પુસ્તાકાલય થકી મળી રહેશે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, જીવનમાં શિક્ષણનું આગવું મહત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની ૧૮ હજાર શાળાઓમાં આંગણવાડી, બાલવાટિકા અને ધો.૧ના પ્રવેશ લેનારા ભુલંકાઓ માટે પ્રવેશોત્સવ થકી રાજ્યના તમામ બાળકો સહિત આદિવાસી દીકરા-દીકરીઓની ઉજ્જવળ ભવિષ્યની કેડી તૈયાર થઇ છે. ૧૦ વર્ષમાં આદિવાસી દીકરીઓના ભણતરમાં ૧૭ ટકાનો વધારો થયો છે એ ગૌરવની વાત છે એમ જણાવી આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે નિવૃત જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નૈષધભાઇ મકવાણા, સરપંચ કલ્પનાબેન વસાવા, જિજ્ઞેશ વસાવા, સમાજિક અગ્રણીઓ ડો.આશિષ ઉપાધ્યાય, દિનેશ પટેલ, નટુભાઇ રબારી, જિ.પંચાયતના સભ્યો, શિક્ષકો, યુવાનો-બાળકો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.