રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને તથા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં આજે ગુજરાત વિદ્યાપીઠનો 71મો પદવીદાન સમારોહ યોજાયો હતો.

માનનીય રાષ્ટ્રપતિશ્રીના હસ્તે ગુજરાત વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાઓના PhD, MPhil, અનુસ્નાતક, સ્નાતકોત્તર તથા અનુસ્નાતક ડિપ્લોમા જેવા વિવિધ અભ્યાસક્રમોમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

માનનીય રાષ્ટ્રપતિશ્રીના વરદ્હસ્તે આ અવસરે ગુજરાત વિદ્યાપીઠના વાર્ષિક અહેવાલ તથા આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી “ગ્રામજીવન યાત્રા”ના પ્રતીકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીએ આ અવસરે પદવી પ્રાપ્ત કરેલ સૌ વિધાર્થીઓને વિકસિત ભારતના નિર્માણમાં તેમજ ભારતને વિશ્વમાં વૈભવશાળી બનાવવામાં યોગદાન આપવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ આત્મનિર્ભરતાને સમર્પિત ગુજરાતની સંસ્કૃતિને સમગ્ર દેશમાં પ્રસરાવવાની પ્રેરણા પુરી પાડી હતી. તેમણે શિક્ષણના મહત્વને ઉજાગર કરી, પર્યાવરણ અનુકૂળ વિકાસ, મહિલા સશક્તિકરણ તેમજ યુવાશક્તિ જેવા વિષયો પર પોતાના સુગમ વિચારો રજૂ કર્યા હતા તેમજ સૌ યુવાઓને વિકસિત ભારતના સંવાહક બનવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આજે પદવી પ્રાપ્ત કરનાર સૌ વિધાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ યુવાશક્તિને સત્ય, અહિંસા અને આત્મનિર્ભર ભારતના વિચારો શાશ્વત રાખીને રાષ્ટ્ર નિર્માણમાં પ્રેરિત કરવા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. તેમણે મૂલ્યનિષ્ઠ અને સમય અનુકૂળ શિક્ષણ આપતી ગુજરાત વિદ્યાપીઠની પરંપરાયુક્ત શિક્ષણ પ્રણાલીને બિરદાવી, માનનીય વડાપ્રધાનશ્રીના યુવાશક્તિને સશક્ત બનાવતા પ્રયાસોની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ સૌ યુવાઓને ‘હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ના વિચારને આગળ ધપાવવા તેમજ સમાજમાં જાગૃતતા લાવવામાં અગ્રેસર બને તે માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : 9016924808






