શ્રી હરિ નું ચરિત્ર : ગઢપુરમાં દાદાના દરબારમાં લીંબતરુ તળે પૂર્ણ પુરુષોત્તમનારાયણ ભગવાન શ્રી હરિ ગાદી તકિયે વિરાજ્યા હતા. “હરિ ના પ્રસંગો “

આજનું ચરિત્રઃ ૨૩-૦૭-૨૦૨૫ બુધવાર 
જય સ્વામિનારાયણ…

ગઢપુરમાં દાદાના દરબારમાં લીંબતરુ તળે પૂર્ણ પુરુષોત્તમનારાયણ ભગવાન શ્રીહરિ ગાદી તકિયે વિરાજ્યા હતા. સન્મુખ સંતો અને હરિભકતોની સભા બેઠી હતી ને જ્ઞાનવાર્તા ચાલતી હતી, ત્યારે સદગુરૂ મુકતાનંદ સ્વામીએ હાથ જોડીને મહારાજને વિનંતિ કરતાં કહ્યું, ‘મહારાજ, કાંઈક અંતરમાં શાંતિ થાય એવી વાત કરો’.

આ સાંભળી શ્રીહરિ જ્ઞાનચર્ચાને થંભાવીને પોતાના જન્મથી આરંભીને વનવિચરણ એમ એક પછી એક લીલાચરિત્રો વર્ણવવા લાગ્યા. અંતમાં ઉમેર્યું’ કે ભગવાનના લીલાચરિત્રો ગાવા ને સાંભળવા એમાંજ શાંતિ સમાયેલી છે.

એ દિવસ સભા પુરી થઇ ને સહુ ઉઠ્યા. મહારાજે તો શાસ્ત્ર સંમત વાત કહી પણ મુક્તમુનિના અંતરમાં અશાંતિ ઉદ્ભવેલી હોવાથી આ વાત એમના અંતરમાં સ્થિર ન થઈ શકી. મનમાં થયું કે, ‘આજે કેમ મહારાજ બીજી વાતે ચડી ગયા ને મારા પ્રશ્નનું સમાધાન કર્યું નહિ.’

બીજે દિવસે બપોર કેડે વળી લિંબતરું તળે સભા થઈ. ફરીને મુક્તમુનિએ પોતાના મનમાં ઘોળાતો એજ પ્રશ્ન પ્રભુને પૂછયો. એના જવાબમાં મહારાજે વળી કહ્યું ‘સ્વામી, સ્વરુપાનંદ સ્વામીને એકદિવસ બહુ બળતરા ઉપડેલી, પોતે ઘણા આત્મનિષ્ઠ સ્થિતિવાળા હતા તોપણ બળતરાની વેદના અસહ્ય લાગતી હતી. સેવા કરતા સંતોએ ઠંડા મળિયાગર ચંદનનો શરીર પર લેપ કર્યો. વરીયાળી સાકરના પાણી પાયા ને બીજા ઘણાય ઉપચાર કર્યા. પરંતુ એમની બળતરા ઓછી ન થઈ એટલે અમે એમને કહ્યું જે, ‘સ્વામી, તમો આ દાદાનો દરબાર, નિંબતરું, આ ગંગાજળીયો કૂવો, લક્ષ્મીવાડી ને ખળખળિયો વગેરેની અમારી લીલાના સ્થાન સંભારો ને અંતરમાં ચિંતવન કરો તો જરૂર શાંતિ થશે. એમને એ ઉપાયથી શાંતિ થઈ હતી’. આમ મહારજે ઘણીક વાતો કરી ને મુકતમુનિની મૂંજવણ ટાળવાની રીતો બતાવી. પરંતુ કોણ જાણે કેમ થયું કે મુકતમુનિને એ કાંઈ સમજમાં ન આવ્યું. એમની જે અશાંતિમાં ઉમેરો થતો ગયો ને ઊંઘ પણ હરામ થઈ ગઈ. ધ્યાન-ભજન ને માળા કરવામાં મન સ્થિર થઈ શક્યું જ નહિ.

વળી ત્રીજે દિવસે સભામાં એનો એજ પ્રશ્ન સ્વામીથી પૂછાઇ ગયો. કારણ કે સ્વામીને એમના અંતરમાં અજંપો અને અકળામણ ઉભરાઈ રહ્યા હતા. એમનું હૈયું ભારે વેદના અનુભવતું હતું. શરીરમાં ક્યાંય સુખ થતું નહોતું. શાથી આમ થઈ ગયું એ માટે એમણે આંતરખોજ આરંભી પણ એથી તો અકળામણનો વધારે ઉભારો આવ્યો.

મુકતમુનિનો એનો એજ પ્રશ્ન આજે ફરીથી સાંભળી શ્રીજીએ કહ્યું. ‘સ્વામી, હવે આ તમારા પ્રશ્નનો ઉત્તર તો નિત્યાનંદ સ્વામી કરશે.’ આમ કહી પોતે ઉઠીને અક્ષર ઓરડી તરફ જતા રહ્યા. સંતો ને હરિ ભકતો સહુ સભાજનો પોતપોતાના સ્થાને ગયા. મોટેરા મુક્તમુનિ અને નિત્યાનંદમુનિ પણ પોતાના આસને આવ્યા.
મુકતાનંદ સ્વામીએ પોતાનો સંશય જણાવ્યો કે, ‘નિત્યાનંદ સ્વામી, હું બે દિવસથી મહારાજને મારો પ્રશ્ન પુછું છું, પણ આજે તો તમને પુછવા કહ્યુ છે તો તમે એ નિવેડો લાવો.’ ત્યારે નિત્યાનંદ સ્વામી, મોટેરા મુક્તાનંદ સ્વામીને હાથ જોડીને કહેવા લાગ્યા, ‘સ્વામી, મહારાજ બે દિવસથી શાંતિ થવાના તમારા પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે, કે મારાં લીલા ચરિત્રો ગાવવા સંભારવા ને મારી મૂર્તિનું ચિંતવન કરવું. એ જેવો શાંતિ થયાનો બીજો કોઈ ઉપાય અમારા ધ્યાનમાં નથી. આ બધું સાંભળવા છતાં આપની સમજમાં એ બાબત આવી નહિ અને એથી આપે આજે ત્રીજીવાર એજ પૂછ્યું એથી મહારાજ ઉઠીને એકદમ ચાલ્યા ગયા.’

આ સાંભળી મુક્તમુનિ કહેવા લાગ્યા મહારાજે તો શાંતિ પામ્યાની વાત બરોબર કરી પણ મને કોણ જાણે કેમ ઘેડય જ ન બેઠી, હવે તમારા કહેવાથી ઠાવકી ઘેડય બેસી ગઈ. આમ બંને સદગુરૂઓ ભેગા બેસીને વાતો કરે છે એટલામાં કરીમ ભકત આવ્યા અને મહારાજનો આદેશ સંભળાવતા બોલ્યા ‘મહારાજે કહેવડાવ્યું છે કે મુકતાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી બંને સદ્ગુરુઓને કાલે વહેલી સવારે સત્સંગ વિચરણમાં કારીયાણી જવાનું છે અને અમારા દર્શનનો આગ્રહ રાખ્યા વિના બારોબાર જાય.’

મુક્તમુનિની અશાંતિમાં અધિક ઉમેરો થયો આખી રાત અજંપો રહ્યો, સ્વામીને નિંદર પણ ન આવી. વહેલી સવારે ઉઠી પ્રાતઃકર્મ કર્યું, ત્યાં તો કરીમ ભકત ગાડું લઈને આવ્યા. બંને સદ્ગુરુઓ એમાં બેઠા અને કારિયાણીએ આવ્યા. સંતો ગાડા નીચે ઉતર્યા અને કરીમભકતે ગાડું પાછું વાળ્યું. નીચે ઉતરી બંને સંતોને ચરણે કરીમભાઇએ વંદન કર્યાં ને સ્વામીને કહ્યું, ‘સ્વામી, કાંઈ સમાચાર કહેવાના છે?’ આ સાંભળી મુક્તમુનિ તો ગળગળા સાદે બોલ્યા, ‘કરીમભકત, અમને મહારાજ ભેળા કરીને વહેલાસર એમના દર્શન કોઇક દિવસ કરાવજ્યો, મહારાજ તો અતિ દયાળુ છે. અમ જેવા જીવના અપરાધ સામે નહિ જ જુએ અમે અહીં મહારાજના ભજન સ્મરણમાં દિવસ ગુજારો કરીશું. આટલું બોલતાતો મુકતમુનિની આંખોમાંથી બોર બોર જેવડાં આંસુ પડી ગયાં. ગળુ રુંધાય ગયુને આગળ બોલી શકાયું નહિ. નિત્યાનંદ સ્વામીની આંખોમાં પણ ઝળઝળિયાં આવી ગયાં. કરીમભાઇની આંખો પણ ભીની થઈ ગઈ. વ્યથિત હૃદયે એ ગાડું હાંકી ગઢપુર આવ્યા.

ગઢપુર આવીને અક્ષરઓરડીએ મહારાજ પાસે જઈ પ્રણામ કર્યા અને મુકતાનંદ સ્વામી બહુ દીલગીર થઈ ગયાની સઘળી વાત કહી. અંતમાં ઉમેર્યું” કે સીતાજીને વનમાં રડવડતા મૂકી આવવાના નિર્દય કાર્યમાં ભગવાન શ્રીરામચંન્દ્રજીને જેમ લક્ષ્મણજીને પ્રેર્યા હતા, એમ આજે આપે મને કાંઈક એવા કામમાં પ્રેર્યો હોય એવું મનમાં થાય છે.’
કરીમભાઇની આવી ફરિયાદ સાંભળીને સહજ મહારાજથી બોલાઈ ગયું. ‘એમ આવું અવળું થઈ ગયું છે?મુક્તાનંદ સ્વામી તો આપણા વડિલ છે, એમને દુભવાય જ નહી, કોઈકને ઝટ મોકલો અને એ બંનેને તેડી લાવો.’

તુરતજ કરીમભાઇ પોતેજ ઉત્સાહભેર બીજાં બળદોને ગાડે જોડીને કારીયાણી આવ્યા. સ્વામીને પ્રણામ કરીને વાત કરી. બીજે દિવસે સંતોને ગઢપુર તેડી લાવ્યા બંને સદગુરૂઓએ મહારાજને દંડવત પ્રણામ કર્યો ને સન્મુખ બેઠા.
મુકતમુનિએ વિનમ્ર સ્વરે કહ્યું, ‘મહારાજ આપે તો શાંતિ થાય એવી વાત વિસ્તારપૂર્વક કહી સંભળાવી પણ મને અભાગિયાને એ સાવ સમજાણી જ નહિ. એથી ત્રીજી વખત એનો એજ પ્રશ્ન આપને પૂછી બેઠો. પછી આ નિત્યાનંદ સ્વામીએ સમજાવ્યું ત્યારે જ મને એ સમજાયું. પરંતું એતો બહુ મોડું થઈ ગયું હતું. મારી ભુલ કે અવિવેક બદલ મને ક્ષમા કરો. આપે તો મારા હિત ખાતર જે કર્યું એ મારા ભલા માટે જ હોય, નહિ તો હું આ વાત ક્યાંથી સમજત, હું શાંતિ માટે પેલા ઝાંઝવાના જળની પ્રાપ્તી માટે ભટકતા હરણની પેઠે બીજે જ ફાંફા મારતો હતો.’

શ્રીહરિએ મુકતમુનિને સાંત્વના આપીને કહ્યું ‘સ્વામી આપતો અમારા ગુરુ સ્થાને છો અમારાથી કાંઈ ઉતાવળે અવળું થઈ ગયું હોય તો આપ મનમાં કાંઈ લાવશો નહિ.’

“અરે મહારાજ, આપતો અમારા આધાર કહેવાવ. આપના પ્રત્યે મનમાં બીજો ઘાટ થાય? તો તો… પછી ભેળા રહીને શું સમજ્યા?
મહારાજ બં’ને સદ્ગુરુઓને ઉભા થઈને બાથ ભરીને મળ્યા પછી બંને સદગુરુઓ મહારાજને પગે લાગીને પોતાના ઉતારે ગયા.

દાસ ના દાસ….- સત્સંગ સાગરના મોતીમાંથી…. આત્મીયતા…. : આધ્યાત્મિક માર્ગદર્શન  ચાતુર્ય માસ ભક્તિ સતસંગ માર્ગદર્શન : 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल