બારડોલી-કડોદ રોડની સ્ટ્રીટ લાઈટ અનેક ઠેકાણે વીજતાર ખુલ્લા યમલોક પહોંચાડી દેશે!

બારડોલી-કડોદ રોડ પર આર.ટી.ઓ.થી તાલુકા સેવા સદન સુધી લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો હાલ લોકો માટે મોટો ખતરો બની રહી છે. અહીં અનેક ઠેકાણે વીજતાર ખુલ્લા જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. આ ખુલ્લા વીજતારોમાંથી કરંટ લાગવાની સંભાવના છે.
સૌથી ગંભીર બાબત એ છે કે કેટલાક વીજપોલ પાસે જ આ તાર ખુલ્લા હોવાથી જો તેઓ વીજપોલને અડી જાય તો આખા વીજપોલમાં કરંટ ઉતરવાની શક્યતા છે. આવા સંજોગોમાં વીજપોલના સંપર્કમાં આવનાર કોઈ પણ વ્યક્તિ કે પશુ
માટે તે જીવલેણ સાબિત થઈ શકે છે. સ્થાનિકો દ્વારા નગરપાલિકાને આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પાલિકા દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે જાણે પાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેમ આ મામલે સંપૂર્ણપણે બેદરકારી દાખવી રહી છે. નોંધનીય છે કે આ રોડ ૨૪ કલાક વાહનોથી ધમધમતો રહે છે. રાહદારીઓ ઉપરાંત વાહનચાલકો પણ આ માર્ગ પરથી સતત પસાર થતા હોય છે. ત્યારે આવા ખુલ્લા વીજતાર વાહનચાલકો માટે પણ જોખમી પુરવાર થઈ શકે છે. ખાસ કરીને ચોમાસા પૂર્વે આ જોખમી વીજ તારની યોગ્ય મરામત કરાવવામાં આવે તે અત્યંત આવશ્યક છે. જો પાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી જાનહાનિ થવાની સંભાવના નકારી શકાય નહીં.






