ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજરોજ મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા, રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો સાથે સહભાગી થયા હતા.


મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલ સર્વગ્રાહી વિકાસની રૂપરેખા આપી હતી. ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન ગણાવતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત એ માત્ર ચાર અક્ષરનો શબ્દ ન રહેતા સર્વાંગી વિકાસનો પર્યાય બની ગયો છે. તેમણે રીન્યુએબલ એનર્જી, વોટર ગ્રીડ, ગેસ ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સેમિકન્ડક્ટર સહિતના નવા ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાતના વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યક્રમનો હેતુ અન્ય રાજ્યોમાં વસતા મૂળ ગુજરાતના પરિવારો- લોકોનો ગુજરાતના વિકાસ સાથે સંબંધસેતુ વધુ સંગીના બનાવવાનો હોવાનું જણાવીને મધ્યપ્રદેશમાં વસતા સર્વે ગુજરાતીઓને વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નિર્માણ માટે સંકલબદ્ધ થવા આહવાન કર્યું હતું.






