ગુજરાત સરકારે એનર્જી સેક્ટરની અગ્રણી કંપની નયારા એનર્જી સાથે આજે ગાંધીનગરમાં બે MoU કર્યા છે.

જેમાં, વન અને પર્યાવરણ વિભાગ સાથેના MoU અંતર્ગત, જામનગર જિલ્લાના ખિજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે નયારા એનર્જી નાણાંકીય સહયોગ આપશે. આ પ્રોજેક્ટ હેઠળ વેટલેન્ડની પ્રાકૃતિક સ્થિતિમાં સુધાર, જૈવ વૈવિધ્યતામાં સુધાર તેમજ વેટલેન્ડ સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓમાં સ્થાનિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે.
આ ઉપરાંત, શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથેના MoU અંતર્ગત, જામનગર અને દેવભૂમિ દ્વારકાની ૧૩૦૦ સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં વાંચન પ્રવૃત્તિને વેગ આપવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ, આગામી ત્રણ વર્ષ દરમિયાન શાળાઓ અને આંગણવાડીઓમાં કુલ મળીને આશરે પોણા ચાર લાખથી વધુ પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે.
તેમજ ડિજીટલ વાંચન માટેના પ્રયાસો પણ હાથ ધરાશે અને શિક્ષકોને લાઈબ્રેરી મેનેજમેન્ટ સહિતની બાબતોની તાલીમ પણ આપવામાં આવશે
આ પ્રોજેક્ટ થકી બાળકોમાં નાની ઉંમરે વાંચન પ્રત્યે રૂચિ વધે અને વાંચનની સંસ્કૃતિનું નિર્માણ થાય તેવો પ્રયાસ હાથ ધરાશે.






