*ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ક્રાઈમ બ્રાંચના પાંડેસરા યુનિટનું લોકાર્પણ*
——–
*પાંડેસરા વિસ્તારમાં કોઈ પણ પ્રકારના ક્રાઈમમાં ક્વિક રિસ્પોન્સ આપી શકાય એવા હેતુથી ક્રાઇમ બ્રાંચ પાંડેસરા યુનિટ શરૂ કરવામાં આવ્યું છે*
*જનભાગીદારીનું મોડેલ રાજ્યમાં સૌથી વધુ સુરતમાં સફળ થયું છે*
*:ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી*
—-
*પાંડેસરા સ્પેશિયલ યુનિટને કારણે ગુનાઓ પર કાબુ મેળવવામાં, ડ્રગ્સ તથા નશાની બદી પર અંકુશ લાવવામાં ખૂબ મદદ મળશે: પોલીસ કમિશનરશ્રી અનુપમસિંઘ ગહલોત*
—–
સુરત:રવિવાર: સુરત ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ કમલવિજય તુલશ્યાનના સહયોગથી નવનિર્મિત ક્રાઈમ બ્રાંચના પાંડેસરા યુનિટનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શહેરના વધુ ક્રાઇમ રેટ ધરાવતા પાંડેસરા, ઉધના, ભેસ્તાન, ડીંડોલી, લિંબાયત જેવા પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાંચ પાંડેસરા યુનિટથી નજીક થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં પાંડેસરા વિસ્તારમાં શહેરના કુલ શરીર સંબંધી ૪૦% ગુનાઓ અને મિલકત અંગેના ૩૨% જેટલા ગુનાઓ નોંધાયા છે. સુરત શહેરના ઉધના, લીંબાયત, પાંડેસરા, ડીંડોલી, સચિન, સચિન GIDC, ખટોદરા, અલથાણ, ભેસ્તાન જેવા પોલીસ સ્ટેશનથી ૧૦ થી ૧૫ મિનટના અંતરે આવેલું હોવાથી કોઈ પણ પ્રકારના ક્રાઈમમાં ક્વિક રિસ્પોન્સ આપી શકાય એવા હેતુથી ક્રાઇમ બ્રાંચ પાંડેસરા યુનિટ શરૂ કરવામાં આવ્યું છે.
પ્રજાજનોની શાંતિ- સલામતી અને સુખાકારી માટે આ સરકારે લીધેલા સંખ્યાબંધ કડક પગલાં, નિર્ણયોના કારણે લોકોને સુરક્ષાનો અહેસાસ થઈ રહ્યો છે એમ જણાવી શ્રી સંઘવીએ કહ્યું કે, અસામાજિક તત્વોને પાઠ ભણાવવામાં પોલીસ કડક પગલાં લે તે જરૂરી છે. ગુનો કરતા પહેલા ગુનેગાર સો વાર વિચાર કરે એ પ્રકારના દાખલરૂપ પગલાં લેવા માટે ગૃહવિભાગે પોલીસને ફ્રીહેન્ડ આપ્યો છે.
ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં શાંતિ, સુરક્ષા, સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા અને ગુજરાત પોલીસની ઉમદા કામગીરી છે. ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી-આમ નાગરિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓ, ફરિયાદોમાં પોલીસ સ્ટેશનો, પોલીસ અધિકારીઓ મદદરૂપ થાય તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
ક્રાઈમ બ્રાંચ પાંડેસરા યુનિટનું નિર્માણ પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખશ્રી કમલવિજય તુલશ્યાનના સહયોગથી થયું છે જેનો આભાર અને આનંદ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, જનભાગીદારીનું PPP મોડેલ રાજ્યમાં જો કોઈ શહેરમાં સૌથી વધુ સફળ થયું હોય તો તે સુરત છે. અહીના સેવાભાવી દાતાઓ સમાજસુરક્ષા માટે ખૂબ જાગૃત્ત છે.
તેમણે ડિજીટલ એરેસ્ટથી સજાગ રહેવા અને ડિજીટલ એરેસ્ટ નામનો કોઈ કાયદો કે પોલીસ કાર્યવાહીનો કોઈ ભાગ નથી એમ સ્પષ્ટપણે જણાવી ગુજરાત પોલીસે માત્ર છેલ્લા માત્ર ૨૦ દિવસમાં ડિજીટલ એરેસ્ટ કરીને પૈસા પડાવતી ત્રણ ગેંગોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી હોવાની વિગતો આપી હતી.
પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું કે, સમાજની શાંતિ અને સલામતી માટે પોલીસ હંમેશા કાર્યરત રહે છે. પાંડેસરા વિસ્તારમાં શ્રમિક વર્ગ, પરપ્રાંતીય વર્કરોની વધુ વસ્તી હોવાથી અન્ય વિસ્તારો કરતા અહીં ક્રાઈમ રેટ વધુ હોવાનું નોંધાયું છે, ત્યારે પાંડેસરા સ્પેશિયલ યુનિટને કારણે ચોક્ક્સ શરીર/ મિલકત વિરૂધ્ધના ગુનાઓ પર કાબુ મેળવવામાં અને ડ્રગ્સ તથા નશાની બદી પર પણ અંકુશ લાવવામાં ખૂબ મદદ મળશે.
સુરત શહેરનો ખુબ જ ઝડપી વિકાસ અને જનસંખ્યાના વધારાની સાથે પોલીસની સેવા સૌ નાગરિકોને સુલભ બને તે માટે નવા પોલીસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શહેરીજનોને રંજાડનારા કોઈ પણ અસામાજિક તત્વો સામે તત્કાલ કડક પગલાઓ ભરવામાં આવી રહ્યા હોવાની વિગતો કમિશનરશ્રીએ આપી હતી.
આ વેળાએ ક્રાઈમ બ્રાંચ પાંડેસરા યુનિટના પરિસરમાં મંત્રીશ્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રી મુકેશ દલાલ, ધારાસભ્ય સર્વશ્રી સંદીપ દેસાઈ, મનુ પટેલ, મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનરશ્રી અનુપમસિંઘ ગહલોત, અધિક પોલીસ કમિશનરશ્રી કે.એન.ડામોર, સ્પેશિયલ પોલીસ કમિશનર વબાંગ ઝમીર, ટ્રાફિક ડી.સી.પી. અમિતા વાનાણી, જોઈન્ટ પોલીસ કમિશનર(ક્રાઇમ) રાઘવેન્દ્ર વત્સ, સ્પેશ્યલ બ્રાન્ચના ડી.સી.પી. હેતલ પટેલ ડી.સી.પી. વિજયસિંહ ગુર્જર, એસ.ઓ.જી.ના ડી.સી.પી.શ્રી રાજદિપસિંહ નકુમ, ક્રાઈમ ડી.સી.પી.શ્રી બી.પી.રોજીયા, અગ્રણી જીતુભાઇ વખારીયા, સહિત સ્થાનિક ઉદ્યોગકારો, સામાજિક અગ્રણીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત આત્મીયતા ન્યુઝ. સુરત
Mo 9016924808