*તાપી જિલ્લામાં RTI સપ્તાહ ઉજવણી ૨૦૨૪ અંતર્ગત વર્ચ્યુઅલ વર્કશોપ યોજાયો*
*માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વર્કશોપમાં અધિકારી/કર્મચારીઓએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું*
( બ્યુરો તાપી) તા.૦૫- રાજ્યમાં RTI સપ્તાહ ઉજવણી ૨૦૨૪ અંતર્ગત માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને આજે તા.૦૫/૧૦/૨૦૨૪ ના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં વર્ચ્યુઅલ વર્કશોપ યોજાયો હતો. જેમાં આર.ટી.આઈ.એક્ટ-૨૦૦૫ અન્વયે કેન્દ્રિય માહિતી કમિશ્નરશ્રી સહિત રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નર, અપીલીય સત્તાધિકારીઓ અને જાહેર માહિતી અધિકારીઓ મોટી સંખ્યામાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
માન.મુખ્મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત તમામ માહિતી અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે માહિતી અધિકાર એકટ ખૂબજ સારો છે. જેનો વિવેકપૂર્વક ઉપયોગ થાય એ જરૂરી છે. દરેકે હકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ. લોકશાહીમાં સર્વોપરી અને પ્રજાને જવાબદાર રાજતંત્ર છે ત્યારે વહીવટમાં સતત ચાલનારી પ્રક્રિયામાં રાજ્ય સરકારે મહત્વની ભૂમિકા ભજવી છે.
મુખ્ય માહિતી કમિશ્નરે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ ૪૦ હજાર જેટલા જાહેર માહિતી અધિકારી અને ૧૩૬૦૦ પ્રથમ અપીલીય અધિકારીઓ છે. વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ૫ વર્ષમાં ૨૫૦૦ જેટલી ફરિયાદ સુનાવણી હાથ ધરાઈ છે. કોરોના કાળમાં ૭ હજારથી વધુ ચુકાદાઓ આપ્યા છે. કુલ ૧,૩૫,૦૦૦ જેટલી ફરિયાદો મળેલ છે.
આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ,નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડ,પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશ પટેલ,નાયબ કલેકટર તૃપ્તિ પટેલ સહિત તમામ જાહેર માહિતી અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવી સેમીનારને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦