- *વલસાડમાં રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધીજીની ૧૫૫મી જન્મ જયંતિએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો*
—-
*વલસાડ, વાપી અને પારડી પાલિકામાં કુલ રૂ. ૧૫૮ કરોડ ૯૦ લાખના ભુગર્ભ ગટર યોજના અને પાણી પુરવઠા યોજનાના કામોનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઈ-ખાતમુર્હૂત કરાયું*
—-
*૧૦ વર્ષ પહેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા પરથી સ્વચ્છ ભારતની ભેટ ગાંધીજીને આપવાનો સંકલ્પ લીધો હતોઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*
—-
*વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગા વોટ રીન્યુએબલ એનર્જી પેદા કરવાનો લક્ષ્યાંક હતો જે ૨૦૨૨માં જ પૂર્ણ કરી દીધોઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*
—-
*ઘન કચરો, સૂકો અને ભીનો કચરાનો યોગ્ય ઢબે નિકાલ કરવાની શરૂઆત વડાપ્રધાનશ્રીએ કરાવી હોવાનું જણાવતા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*
—-
*જિલ્લાની ૭૦ ગ્રામ પંચાયતમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ-વ્હીકલને મંત્રીશ્રીએ લીલીઝંડી આપી, હજુ વધુ ૨૫ વાહનોનું લોકાર્પણ કરાશે*
—-
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨ ઓક્ટોબર
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૫મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે ગુજરાત શહેરી વિકાસ કંપની લિ. ગાંધીનગર દ્વારા અમલીકૃત અમૃત ૨.૦ યોજનાના વિવિધ પ્રોજેક્ટનું દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે દિલ્હીના વિજ્ઞાનભવન ખાતેથી ઈ-ખાતમુર્હૂતનો કાર્યક્રમ વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિક્લસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં વાપી પાલિકાની રૂ. ૭૦૦૩.૯૩ લાખની પાણી પુરવઠા યોજના, રૂ. ૧૪૪૮.૮૧ લાખની ભુગર્ભ ગટર યોજના અને વલસાડ નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૩૨૪૦.૮૨ લાખના ખર્ચે પાણી પુરવઠા યોજના અને રૂ. ૩૦૨૧.૪૭ લાખની ભૂગર્ભ ગટર યોજના જ્યારે પારડી પાલિકા વિસ્તારમાં રૂ. ૧૧૭૫.૨૬ લાખની પાણી પુરવઠા યોજનાના કામોનું ઈ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.
સમગ્ર વલસાડ જિલ્લામાં દોઢ થી બે લાખ લોકો સફાઈ અભિયાનમાં જોડાયા તે બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવી નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું કે, આ ઉત્સાહ વલસાડ જિલ્લાને સ્વચ્છ જિલ્લો તરીકે આગળ વધારશે. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાનશ્રીએ લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું ત્યારે ગાંધી બાપુને સ્વચ્છ ભારતની ભેટ આપવાનો સંકલ્પ લીધો હતો. ત્યારબાદ તેમણે દરેક ગામ અને પાલિકા વિસ્તારમાં શૌચાલય બનાવવાની શરૂઆત કરી હતી. દેશને આઝાદી મળી ત્યારે આપણા દેશની વસ્તી ૩૫ કરોડ હતી તે વધીને આજે ૧૪૦ કરોડ થઈ આ દરમિયાન શહેરીકરણ અને ઉદ્યોગોનો પણ વિકાસ થતા કુદરતી સંસાધનોને જાળવી રાખી જરૂરિયાતોને સંતોષવા સાથે ઘન કચરો, સૂકો અને ભીનો કચરાને યોગ્ય ઢબે નિકાલ કરવાની શરૂઆત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ કરાવી હતી.
વાપી અને વલસાડ નગરપાલિકા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન અને એસટીપીના ચાલી રહેલા કામો અંગે મંત્રીશ્રીએ અભિનંદન પાઠવી રિન્યુએબલ એનર્જી અંગે જણાવ્યું કે, મોદીજીએ સમગ્ર દુનિયામાં ૨૦૭૦ સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન કરવા આહવાન કર્યુ છે. જેમાં ભારતે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગા વોટ જેટલી રીન્યુએબલ એનર્જી પેદા કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો જે ટાર્ગેટ ૨૦૨૨માં જ પૂર્ણ કરી દીધો હતો. રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત દેશમાં નંબર વન પર હોવાનું મંત્રીશ્રીએ ગર્વભેર જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, પહેલા કોલસાના વપરાશથી કાર્બનનું ઉત્સર્જન થતું હતું પરંતુ રિન્યુએબલ એનર્જી આપણને પવન અને સૂર્યના પ્રકાશમાંથી મળે છે. વડાપ્રધાનશ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ઉભુ કર્યુ અને સોલાર પોલીસી બનાવી હતી. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં નિર્મલ ગુજરાત હેઠળ સુંદર કામો થઈ રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે.
વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડકશ્રી ધવલભાઈ પટેલે ગાંધી જંયતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા બદલ અભિનંદન પાઠવી જણાવ્યું કે, આઝાદ ભારત માટે ગાંધી બાપુ સહિત અનેક નેતાઓનું શ્રેષ્ઠ યોગદાન છે. તેમના સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને આપણા વડાપ્રધાનશ્રી નરેન્દરભાઈ મોદી આગળ વધારી રહ્યા છે. તેઓ પાર્ટીના સામાન્ય કાર્યકર હતા ત્યારથી તેઓ સ્વચ્છતાના આગ્રહી હતા. પોતે ઝાડુ લઈને સફાઈની શરૂઆત કરાવી હતી. સ્વચ્છતાના કારણે આજે ગંદકીના કારણે ફાટી નીકળતા રોગચાળા ભૂતકાળ બન્યા છે. છેલ્લા ૧૦ વર્ષમાં વડાપ્રધાનશ્રીએ ઘરે ઘરે શૌચાલય બનાવવાની ઝુંબેશ શરૂ કરાવી હતી. આપણો દેશ પ્રકૃતિ પૂજક હોવાથી ગ્રીન ટ્રી કવર વધારવા અને કલાઈમેટ ચેન્જની પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકે તે માટે વડાપ્રધાનશ્રીએ એક પેડ મા કે નામ અભિયાનની પણ શરૂઆત કરાવી છે. જેમાં લોકો ઉમંગભેર સામેલ થઈ રહ્યા છે.
કાર્યક્રમ પૂર્વે પાલિકાના પાર્કિંગ પ્લોટમાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનમાં વલસાડ જિલ્લાની ૭૦ ગ્રામ પંચાયતમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ-વ્હીકલને લીલીઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હજુ વધુ ૨૫ વાહનોનું પણ લોકાર્પણ કરાશે. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં સૌથી વધુ શ્રેષ્ઠ જન ભાગીદારી કરનાર ધરમપુર તાલુકો, સફાઈ મિત્ર સુરક્ષા શિબિરની શ્રેષ્ઠ કામગીરીમાં પારડી તાલુકો અને સીટીયુ (ક્લિનેસ ટાર્ગેટ યુનિટ) ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા દીઠ ત્રણ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત ધરમપરુની પીંડવળ, ઉમરગામની ખતલવાડા અને વાપીની કરમખલ પંચાયતને કચરાના ઢગલાના યોગ્ય નિકાલ અને વૃક્ષારોપણ માટે સન્માનિત કરવામાં આવી હતી. આ સિવાય શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર પારડી અને વલસાડ પાલિકાના કુલ ૬ સફાઈ કામદારોનું મંત્રીશ્રીના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞા પણ લીધી હતી. દિલ્હીથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું કાર્યક્રમનું જીવંત પ્રસારણ અને સ્વચ્છતા અંગેની લઘુ ફિલ્મ પણ સૌએ નિહાળી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા બાળ કલ્યાણ સમિતિના માજી ચેરમેન અને વલસાડ પાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકી, જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા, વાપી પાલિકાના પ્રમુખ પંકજ પટેલ અને ત્રણેય પાલિકાના ચીફ ઓફિસરો સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.કલસરીયાએ કર્યુ હતું. જ્યારે આભારવિધિ વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તારેશભાઈ સોનીએ કર્યુ હતું.
*બોક્સ મેટર*
*મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી*
વલસાડ ગાંધી લાઈબ્રેરી ખાતે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને લોકસભાના દંડક – વ – વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, જિલ્લા બાળ વિકાસ સમિતિના માજી ચેરમેન અને વલસાડ પાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી પુષ્પાંજલિ સાથે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ સમયે યુવાધન દ્વારા દેશભક્તિના ગીત ઉપર પર્ફોમન્સ પણ આપવામાં આવ્યું હતું.
-૦૦૦-