*વાલોડ તાલુકામાં સેવાસેતુ અને સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાયો
–
*સેવાસેતુ થકી સરકારશ્રીની વિવિધ યોજનાઓથી નાગરિકો લાભાંવિત થયા : નાગરિકો પોતાની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા કટિબદ્ધ*
*માહિતી બ્યુરો,તાપી તા.૦૧* રાજ્ય સરકારના પારદર્શક અને સંવેદનશીલ વહીવટી તંત્રને વધુને વધુ પ્રજાલક્ષી બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરવા માટે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. સાથે સ્વચ્છતા અભિયાન પણ સમગ્ર રાજ્યમાં યોજવામાં આવી રહ્યું છે. ત્યારે ગત રોજ વાલોડ તાલુકાના શીકેર ગામની પ્રાથમિક શાળામાં નાલોઠા,દેલવાડા, ખાંભલા, શિકેર, શાહપોર, નનસાડ,વાલોડ, રાનવેરી, કુંભીયા, બહેજ, કોસંબીયા, મોરદેવી, અંધાત્રી, ગોડધા એમ કુલ ૧૪ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્ય સરકારની ૫૫ જેટલી વિવિધ સેવાઓ માટેની આનુષાંગિક સુવિધાઓ એક સ્થળ પરથી પુરું પાડવાનું આયોજન વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
લાભાર્થીઓને આધાર નોંધણી, આધાર કાર્ડમાં સુધારા, રેશનકાર્ડમાં નામ દાખલ કે સુધારો, કમી, ઈ-કેવાયસી, કુંવરબાઈનું મામેરું, ફ્રીશીપ કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, નમોશ્રી યોજના, પીએમ JAY યોજના, ઉંમરનો દાખલો, જન્મ અને મરણના પ્રમાણપત્રો, આધાર કાર્ડ સાથે બેંક ખાતાનું જોડાણ, જનધન યોજના અન્વયે બેંક ખાતુ ખોલવાની કામગીરી વગેરે જેવી રાજ્ય સરકારની અનેકવિધ સુવિધાઓનો લાભ એક જગ્યાએથી આપવામાં આવ્યો હતો.
નાગરિકોને વિવિધ યોજનાઓની જાણકારી આપવાની સાથે જરૂરિયાતમંદ લાભાર્થી સુધી આ યોજનાઓ પહોંચે તે માટે વિવિધ કચેરીઓના સ્ટાફ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ સાથે “સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા સંવાદ થકી સ્વચ્છતા કાયમી જળવાઈ રહે તે અંગે ગ્રામજનોને માહિતગાર કરવાની સાથે સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકો પોતાની આસપાસ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા કટિબદ્ધ થયા હતા તથા અન્યને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા પ્રેરિત કરશે તેવી પ્રતિબધ્ધતા દાખવી હતી.
કાર્યક્રમમાં વાલોડ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારશ્રી સહિત શિકેર ગામમા તાલુકા પંચાયત પ્રમુખશ્રી વર્ષાબેન,પદાધિકારીશ્રી ભુપેન્દ્રભાઈ, જિલ્લા-તાપુકા પંચાયતના સભ્યો તથા તાલુકાના તમામ વિભાગના અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦