તાપી જિલ્લામાં મકરસંક્રાંતિને સુરક્ષિત બનાવવા રાષ્ટ્રીય માર્ગ સલામતીની અનોખી ઉજવણી

—
*વાહનચાલકોને અકસ્માતથી બચાવવા મોટર સાયકલ પર ‘સેફ્ટી ગાર્ડ’ લગાવાયા*
—
*હેલ્મેટ વગરના ચાલકોને ગુલાબ આપી પોલીસે નિયમોનું પાલન કરવા અનુરોધ કરતા જિલ્લા પોલીસ વડાશ્રી જે. એન. દેસાઈ

—
*માહિતી બ્યુરો, તાપી તા. 07* :- રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ ની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જે. એન. દેસાઈના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ‘મિશન સુરક્ષિત મકરસંક્રાંતિ’ થીમ આધારિત જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું હતુ. જેમાં આગામી મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન પતંગના દોરાથી વાહનચાલકો અને રાહદારીઓને સુરક્ષિત રાખવાના ઉમદા આશય સાથે પોલીસ દ્વારા માર્ગો પરથી પસાર થતા મોટર સાયકલ ચાલકોના વાહન પર સેફ્ટી ગાર્ડ લગાવી તેમને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ સાથે જ હેલ્મેટ ન પહેરી ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ પહેરવા તથા માર્ગ સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર અપીલ કરી હતી. પોલીસની આ માનવીય અભિગમવાળી કામગીરીને સ્થાનિક નાગરિકો અને ગ્રામજનોએ બિરદાવી હતી.
નોંધનીય છે કે, મિશન સુરક્ષિત મકરસંક્રાંતિ હેઠળ ટુ વ્હીલર ચલાવતી વખતે પતંગની દોરીથી સુરક્ષિત રહેવા માટે હેલમેટ પહેરવા, સેફ્ટી શીલ્ડનો ઉપયોગ કરવા, સલામત અને સભાનપણે વાહન ચલાવવા અને તહેવારને અનુલક્ષીને ગળાને મફલરથી ઢાંકવા અનુરોધ કરાયો હતો.

તાપી જિલ્લાના તમામ નાગરિકોનો આગામી પર્વ ઉત્સાહભેર જાય અને કોઈ પણ પ્રકારના અકસ્માત ન સર્જાય તેવા અકસ્માત નિવારણના આશય સાથે આ ઝુંબેશમાં વ્યારા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી. જી. નરવાડે, જિલ્લા ટ્રાફિક શાખાના પી.આઈ.શ્રી એસ. બી. શેખ, વ્યારા પી.આઈ.શ્રી બી. જી. રાવલ અને જિલ્લા ટ્રાફિક શાખા પી.એસ.આઈ.શ્રી સી. એસ. પટેલ સહિત પોલીસની ટીમ જોડાઈ હતી.
000






