મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર ખાતે આયોજિત ‘તાનારીરી મહોત્સવ-2024’માં આજે ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, માનનીય વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2003માં ગુજરાતના ગૌરવ સમી વડનગરની અલૌકિક સંગીત બેલડી તાના-રીરીની સ્મૃતિમાં આ મહોત્સવનું આયોજન શરૂ કરાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પ્રવાસન તથા સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સિદ્ધહસ્ત શાસ્ત્રીય ગાયકો સુશ્રી વિદુષી પદમા તલવાલકર તથા ડૉ. શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલીને ‘તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ’ ઉપરાંત ₹2.50 લાખના પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વડનગરની ઐતિહાસિક ભૂમિ પર આવવાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડનગરની ધરતી આગવા સમર્પણ, ત્યાગ, તપસ્યા અને વતન પ્રેમની પરાકાષ્ઠાની સાક્ષી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્ર સાથે વડનગરમાં થઈ રહેલ વિકાસકાર્યોની રૂપરેખા આપવાની સાથોસાથ કલા, સંસ્કૃતિના જતન થકી ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ના નિર્માણ માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.