મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાત ઈન્ફર્મેશન કમિશન તથા SPIPA, ARTD અને GAD દ્વારા આયોજિત ‘રાઈટ-ટુ-ઈન્ફર્મેશન વીક’ની ઉજવણીનો ભારત અને ગુજરાતના મુખ્ય માહિતી કમિશનરશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે RTI કાયદાઓની સરળ સમજ આપતી લઘુ પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સંબોધનમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરકાર કેવી રીતે વધુને વધુ લોકઉપયોગી બને તેના માટે હરહંમેશ પ્રયત્ન કર્યા છે. તેમણે સેચ્યુરેશનના નિર્ધાર સાથે દરેક નાગરિકોને યોજનાકીય લાભ અને તેમને મળવાપાત્ર હક ઘરે બેઠા મળી રહે તે સુનિશ્ચિત કરવા આહવાન કર્યું હતું તેમજ સૌના સહયોગથી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના નિર્માણ માટેનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.