મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ વર્ષે રાજ્યમાં યોજાએલ શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયેલા મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓના પ્રતિભાવો-સૂચનો અંગે ગાંધીનગર ખાતે પ્રતિભાવ બેઠક યોજાઇ હતી.
“મુખ્યમંત્રી દ્વારા શિક્ષણ ને પ્રોત્સાહિત કરવા શાળા પ્રવેશોત્સવ” શાળા પ્રવેશોત્સવના આ શિક્ષણ સેવા યજ્ઞની સફળતાથી વિકસિત ગુજરાત બનાવી વિકસિત ભારતના નિર્માણની માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના સાકાર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે શાળા પ્રવેશોત્સવની ઉત્તરોત્તર સફળતા ‘ટીમ ગુજરાત’ ઉપરાંત શિક્ષકો-વિદ્યાર્થીઓ-વાલીગણ સૌના સહિયારા ટીમવર્કને આભારી હોવાનો મત વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ગ્રામીણ અંતરિયાળ આદિવાસી વિસ્તારો સુધી પહોંચેલ શિક્ષણ સુવિધાઓ અને શાળા પ્રવેશોત્સવ જેવા આયામોથી હજુ વધુ સારું પરિણામદાયી કામ કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ વર્ષના પ્રવેશોત્સવમાં નવમા ધોરણમાં પ્રવેશ માટે પહેલીવાર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરીને ડ્રોપઆઉટ રેશિયોમાં પણ મોટો ફેર પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જવાબદાર નાગરિકના ઘડતરની નૈતિકતાને શિક્ષકનું પરમ દાયિત્વ ગણાવવાની સાથોસાથ શિક્ષણની જ્યોતથી ઉજ્જવળ ભાવિ માટે સૌને સહયોગી બનવાની અપીલ કરી હતી.