બારડોલીના ત્વિષા વ્યાસને ગરબા ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર–2025’

બારડોલીના ત્વિષા વ્યાસને ગરબા ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર–2025’

નવી દિલ્હીમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરી ત્વિષા વ્યાસે બારડોલી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું.

બારડોલી: ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને ગરબાની પરંપરાને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર બારડોલીનાં લોકનૃત્ય કલાકાર ત્વિષા કિલ્લોલકુમાર વ્યાસને ગરબા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ પ્રતિષ્ઠિત **‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન રાષ્ટ્રીય યુવા પુરસ્કાર–2025’**થી સન્માનિત કરવામાં આવ્યાં છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત સંગીત નાટક અકાદમી દ્વારા આપવામાં આવતું આ પ્રતિષ્ઠિત સન્માન તા. 19 ઑક્ટોબર, 2026ના રોજ નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંગીત નાટક અકાદમીનાં અધ્યક્ષ ડૉ. સંધ્યા પુરેચા તથા અકાદમીના સચિવ શ્રી રાજુ દાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ત્વિષા વ્યાસ છેલ્લા બે દાયકાથી નૃત્ય અને સંગીતની સાધનામાં સમર્પિત છે. તેઓ ભરતનાટ્યમ કલાકાર, ગુજરાતી લોકનૃત્ય કલાકાર, વાયોલિનવાદક, કોરિયોગ્રાફર અને નૃત્યશિક્ષક તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે. બારડોલી સ્થિત વી. કિલ્લોલકુમાર ગ્રુપ ઑફ મ્યુઝિક એન્ડ ડાન્સ એકેડેમીનાં સંચાલક તરીકે તેઓ અનેક વિદ્યાર્થીઓને તાલીમ આપી ભારતીય કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે કાર્યરત છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ ગુજરાતી લોકનૃત્ય, ગરબા અને ભારતીય શાસ્ત્રીય નૃત્યની તાલીમ મેળવે છે.

આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ત્વિષા વ્યાસની વર્ષોની કલાસાધના, મહેનત અને ગુજરાતી ગરબાની પરંપરા પ્રત્યેના સમર્પણની રાષ્ટ્રીય સ્તરે મળેલી ઓળખ છે. આ સિદ્ધિથી બારડોલી સહિત સમગ્ર ગુજરાતના કલા જગતમાં ગૌરવ અને આનંદની લાગણી પ્રસરી છે.

પોતાની આ સિદ્ધિ અંગે ત્વિષા વ્યાસે પોતાના સ્વર્ગસ્થ માતા હીના વ્યાસના આશીર્વાદ, પિતા કિલ્લોલકુમાર વ્યાસની પ્રેરણા, ગુરુજનોના માર્ગદર્શન, પરિવારજનોના સહયોગ, વિદ્યાર્થીઓના પ્રેમ અને શુભેચ્છકોના આશીર્વાદ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આ પુરસ્કાર તેમની વ્યક્તિગત સિદ્ધિની સાથે ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને ગરબાની પરંપરાને સમર્પિત છે. ભવિષ્યમાં પણ ગુજરાતી લોકકળાના સંવર્ધન અને નવી પેઢી સુધી તેના વારસાને પહોંચાડવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.

ત્વિષા વ્યાસની આ રાષ્ટ્રીય સિદ્ધિએ બારડોલીનું નામ દેશના સાંસ્કૃતિક નકશા પર વધુ ઉજ્જ્વળ બનાવ્યું છે અને ગુજરાતના યુવા કલાકારોને લોકકળાની સાધના માટે પ્રેરણા પૂરી પાડી છે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल