મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયમાં આમંત્રિત કરીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યાર પછી ગુજરાતે સાધેલા સર્વાંગીણ વિકાસની યાત્રાને 23 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા તા.7 થી 15 ઓક્ટોબર, 2024 દરમિયાન MY GOV પ્લેટફોર્મના સહયોગથી આયોજિત ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં આ ઓનલાઈન કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી અંદાજે 74 હજાર જેટલા પ્રતિસ્પર્ધીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ક્વિઝ સ્પર્ધામાં 12 જેટલી ભાષાઓમાં ગુજરાતના વિકાસ, કલા અને સંસ્કૃતિ સહિતના વિષયોના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જ્યારે, ફોટો કોમ્પિટિશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો, આંતરમાળખાકીય વિકાસ, મહિલા સશક્તિકરણ સહિતના વિવિધ વિષયો પર સ્પર્ધાઓ યોજાઈ હતી.
મુખ્યમંત્રીશ્રીએ વિજેતા યુવાઓ સાથે પ્રત્યક્ષ મુલાકાત અને સંવાદ કરીને ગુજરાતના વિકાસ સંબંધિત વિવિધ વિષયો અંગે તેઓના અભિપ્રાય જાણ્યા હતા. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા વિકસિત ગુજરાતના નિર્માણ થકી યથાસંભવ યોગદાન આપવાનું આહવાન કરવાની સાથોસાથ રાજ્ય અને દેશના વિકાસમાં સરકારની સાથે પૂરી ઊર્જાથી ખભેખભો મિલાવી પુરુષાર્થ કરવાનું પ્રેરક માર્ગદર્શન પણ આપ્યું હતું.