પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે જિલ્લા સેવા સદનમાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત બેઠક યોજાઈ
………………..
સ્વતંત્ર રીતે ખેતી કરતાં 41 ખેડૂતોએ ચાલુ વર્ષે 20 લાખ કરતાં વધારે કમાણી કરી
……………………
લોકોને ક્વોન્ટિટી નહીં ક્વોલિટી વાળા ખેત ઉત્પાદનો આપશો તો તમારી પાસે આવશે: ધારાસભ્ય મોહનભાઈ
………………………..
તાપી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ વ્યારા કલેકટર કચેરી ખાતે પ્રાકૃતિક કૃષિ બાબતે ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠક પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે આયોજિત કરવામાં આવી હતી.
વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાય અને તેમના ઉત્પાદનનો સીધો લાભ સામાન્ય નાગરિકોને મળે તે માટે પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા પ્રોજેકટ દ્વારા કલેકટરશ્રી, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રીવી. એન. શાહ તેમજ સમિતિના સભ્યોને પ્રેઝન્ટેશન દ્વારા ખેડૂતોની તાલીમ, ઉત્પાદન, વેચાણ અને આગામી આયોજન જેવી બાબતોથી છણાવટ પૂર્વક અવગત કરાયા હતા.
સપ્ટેમ્બર-2024ની સ્થિતીએ કુલ 29723 ખેડૂતોને ક્લસ્ટર બેઝ તાલીમ આપવામાં આવી છે. જ્યારે કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્ર પર 2 લાખ 29 હજાર જેટલી માતબર રકમનું વેચાણ થયેલ છે તેમજ સ્વતંત્ર રીતે ખેતી કરીને આજીવિકા મેળવતા ખેડૂતોની સંખ્યા 41 છે. આ ખેડૂતોએ ચાલુ વર્ષમાં પ્રાકૃતિક ખેતી કરી 20 લાખ 29 હજાર રૂપિયાનું વેચાણ કરેલ છે. ઉપરાંત આ વર્ષે 24552 ખેડૂતોએ 12 હજાર એકર જેટલા વિસ્તારમાં ખેતી કરી પ્રાકૃતિક ખેતીનો લાભ લીધેલ છે.
પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીએ જણાવ્યું હતુંકે આગામી સમયમાં રવિ સીઝનની તાલીમ શરૂ કરવામાં આવશે. બેઠકમાં હાજર રહેલા ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે આપણા જિલ્લામાં તુવેર, અડદ, મગ, ચણા જેવા પાકો સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિથી પકાવવામાં આવે છે. આપણા જિલ્લામાં હજુ માર્કેટ ઊભું કરવાની જરૂર છે. લોકો પ્રાકૃતિક કૃષિ આધારિત ઉત્પાદનો ખરીદવા માંગે છે. આપણે કોન્ટિટી કરતાં ક્વોલિટી આપીશું તો લોકો આપણને શોધતા આવશે. કલેકટરશ્રીએ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રાકૃતિક કૃષિજન્ય ઉત્પાદનો માટે ખાસ પ્રચાર પ્રસાર કરવા તાકીદ કરી હતી તેમજ કઠોળના વાવેતર અંગે ખેડૂતોને સમાજ આપવા સૂચન કર્યું હતું.
આ બેઠકમાં કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીવી.એન શાહ, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, પ્રાયોજના વહીવટદાર શ્રીરામનિવાસ બુગાલિયા, આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓ જોડાયા હતા.