*રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ*
–
*વર્ષોથી જુના પેંડિગકામોનો યોગ્ય ઉકેલ લાવી યુદ્ધના ધોરણે કામગીરી કરવા અધિકારીઓને તાકિદ*
*તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં સૌ વિભાગોને કચેરીની સાફસફાઇ કરવા, અને જિલ્લામાં સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનાવવા અનુરોધ કરતા મંત્રીશ્રી કુવરજીભાઈ હળપતિ*
–
*માહિતી બ્યુરો,તાપી તા.૨૧* રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ, રોજગાર, ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ડો. વિપિન ગર્ગ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ,ધારાસભ્યસર્વેશ્રીઓ મોહનભાઇ ઢોડિયા,મોહનભાઇ કોંકણી, ડો.જયરામભાઇ ગામીત તથા નગરપાલિકા પ્રમુખશ્રી રીતેશ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુવરજી હળપતિએ તાપી જિલ્લાના વર્ષોથી જુના પેંડિગકામો જેમ કે સિંચાઈ અને બોરના પ્રશ્નો,રસ્તા, રેલ્વે અંડર પાસના વિવિધ પ્રશ્નો,એફઆરએની જમીનના પ્રશ્નો અંગે અને આયોજનમાં આવતા કામો તથા ધારાસભ્યોશ્રીઓ દ્વારા રજુઆત કરવામાં આવેલા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. સંબધિત અધિકારીઓને મંત્રીશ્રી કુવરજી હળપતિએ તાકિદ કરતા જણાવ્યું હતું કે ગેરકાયદેસરના દબાણો,બાંધકામોને નોટીસ આપી દુર કરી અટકેલા કામો યુધ્ધના ધોરણે શરુ કરવા ધારાસભ્યશ્રીઓ દ્વારા રજુ કરવામાં આવેલ વિવિધ પ્રશ્નોના નિયત સમયમાં યોગ્ય નિરાકરણ લાવવા અને જવાબ કરવા સુચનો કર્યા હતા. વધુમા તમામ અધિકારીઓને પોતાની કામગીરી પ્રેક્ટિકલ થઇને કરવા ખાસ તાકિદ કરી હતી.
અંતે સમગ્ર ગુજરાત સહિત તાપી જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર સુધી ચાલનાર ‘સ્વચ્છતા હી સેવા’અભિયાનમાં સૌ વિભાગો પોતાની કચેરીની સાફસફાઇ કરે, સ્વચ્છતાના કામમાં સહભાગી થાય તથા કચેરી સહિત વિવિધ સ્થળોએ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. વધુમાં વ્યારા મથક એ નગરપાલિકા વિસ્તાર હોવાથી વ્યારા શહેરના આંતરિક રસ્તા,શેરીઓ, જાહેર મિલ્કતોની સ્વચ્છતા જાળવવા ખાસ અપીલ કરી હતી.
તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગે સંકલન સમિતીની બેઠકમાં નાગરિક અધિકાર, એ.જી.ઓડીટ પેરા, પડતર કાગળો, ખાતાકિય તપાસ સહિત ગત બેઠકમાં રજુ થયેલા પ્રશ્નોનો એક્શન ટેકન રીપોર્ટ સહિત વિવિધ મુદ્દાઓની સમિક્ષા કરવામાં આવી હતી.
તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ વનસંરક્ષકશ્રી પુનિત નૈયર, નાયબ કલેકટરશ્રી તૃપ્તિ પટેલ,જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીશ્રી ખ્યાતિ પટેલ, સહિત સંકલન સમિતિના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000