*ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે વ્યારા નગરપાલિકાનો સેવસેતુ કાર્યક્રમ યોજાયો*
–
*વ્યારા નગરના નાગરિકો વિવિધ ૧૩ વિભાગોની ૫૫ થી વધુ યોજનાઓનોથી લાભાવિંત થયા*
–
*સેવા સેતુ જેવા પ્રજાલક્ષી અભિયાનમાં વધુમાં વધુ લોકો લાભ લેવા અનુરોધ કરતા ધારાસભ્ય મોહન ભાઇ કોંકણી*
–
બ્યુરો, તાપી તા.૧૭/૦૯/૨૦૨૪ :- તાપી જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોની રજૂઆતો અને સમસ્યાનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે તાપી જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૦ માં તબક્કાનો ‘સેવા સેતુ’ કાર્યક્રમના આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે વ્યારા નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ૭ વોર્ડનો સેવાસેતુ કાર્યક્રમ ડૉ શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ વિપિન ગર્ગ સહિત ધારાસભ્ય મોહનભાઇ કોંકણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કાર્યક્રમને સંબોધતા ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ સૌ નગરવાસીઓને સરકારશ્રીની ૫૫ જેટલી વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ના શુભ અવસરે સેવા સપ્તાહ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે.આજે વ્યારા નગરપાલિકા ખાતે જરૂરિયાતમંદોને એક જ સ્થળેથી સેવા પુરી પાડવાનું સુચારૂ આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.ત્યારે દરેક લોકોએ તેનો લાભ લેવો જોઈએ અને જેઓ લાભથી વંચિત છે તેમને પણ માહિતગાર કરવા જોઈએ.
કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે લાભાર્થીઓને જણાવ્યું હતું કે સેવાસેતુ દ્વારા લોકોને ઝડપી સેવાઓ મળી રહે તેવો પ્રયાસ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે. જેથી તમામ લોકોએ સરકારશ્રીના સેવાસેતુનો લાભ લેવો જોઈએ. મહાનુભાવોએ સેવા સેતુના વિવિધ યોજનાકીય સ્ટોલની મુલાકાત લઈ લાભાર્થીઓને મળી રહેલી સેવાઓની કામગીરી નિહાળી અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશ પટેલે મતદાર યાદી સુધારણા અંગે લોકોને અપીલ કરી હતી કે મતદાર યાદી સુધારણા કરવામાં આવે છે ત્યારે અચૂક સુધારો-વધારો કરાવવો જોઈએ. કોઈનું મૃત્યુ થાય ત્યારે નામ કમી કરાવવુ તથા કોઈ લગ્ન કરીને આવે ત્યારે તેમનું નામ મતદાર યાદીમાં સુધારો કરાવી લેવો જોઈએ. તદઉપરાંત બાળકની ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ થતા નામાંકન કરવું જોઈએ.
આજથી શરુ થતા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત કઠપુતળી નિદર્શન રાખવામાં આવ્યું હતુ જેને સૌ નાગરીકો સહિત મહાનુભાવોએ પણ નિહાળ્યું હતું
આ કાર્યક્રમ હેઠળ શહેરી-ગ્રામીણ વિસ્તારના પ્રજાજનોને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ, આવક-જાતિના દાખલા,રેશનકાર્ડને લગતી અરજીઓ, આયુષ્યમાન કાર્ડ, બાળકો,મહિલાઓ,દિવ્યાંગલક્ષી યોજનાઓ, વિધવા સહાય, વૃદ્ધ સહાય સહિતની યોજનાઓને આવરી લેવામાં આવી હતી.
નોંધનીય છે કે, આગામી ૧૧ ઓક્ટોબરના રોજ પણ ડૉ શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે વ્યારા નગરપાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે વ્યારા પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશ પટેલ, વ્યારા ચીફ ઓફીસર વંદના ડોબરિયા,નગરપાલિકા પ્રમુખશ્રી રીતેશ ઉપાદ્યાય સહિત અન્ય હોદ્દેદારો અને નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.