*ધાર્મિક શિવ કથા : ભાગ 288*
*શ્રાવણ સુદ નોમ : મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ*
🕉️ 🙏🏻 🕉️ 🙏🏻 🕉️ 🙏🏻
મહાકાળેશ્વર મંદિર ભારત દેશમાં આવેલાં બાર જ્યોતિર્લિંગમાં ત્રીજા નંબરે આવે છે, જે મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં ક્ષિપ્રા નદીના કિનારે આવેલું છે. પુરાણો, મહાભારત અને કાલિદાસ જેવા મહાકવિઓની રચનાઓમાં આ મંદિરનું મનોહર વર્ણન મળી આવે છે. સ્વયંભૂ, ભવ્ય અને દક્ષિણમુખી હોવાને કારણે મહાકાળેશ્વર મહાદેવની અત્યંત પુણ્યદાયી મહત્તા રહેલી છે. શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના 17માં અધ્યાયમાં મહાકાલના ઉજ્જૈનીમાં પ્રાગટ્યની કથા વર્ણીત છે. અવંતી નગરી એટલે ઉજ્જૈન નગરીમાં એક વિદ્વાન અને વેદોનો જાણકાર બ્રાહ્મણ રહેતો હતો. તે શિવપૂજામાં સર્વકાળ આસક્ત હતો. તે બ્રાહ્મણને ચાર પુત્રો હતા. સૌથી મોટો દેવપ્રિય, બીજો પ્રિય મેધા, ત્રીજો સુકૃત તથા ચોથો સુવ્રત હતો. તે સમયે રત્નમાલા પર્વત પર દૂષણ નામનો મોટો અસુર રહેતો હતો. બ્રહ્માના વરદાનને કારણે તેણે આખા જગતને તુચ્છકારી નાખ્યું. તેણે દેવોને જીતી લઈ તેમનાં સ્થાનો પચાવી પાડ્યા અને શિવભકતિ બંધ કરાવી. આ દૂષણ પોતાના ચાર મોટા દૈત્યો દ્રારા બ્રાહ્મણોને વિનાશ કરવા લાગ્યો. બ્રાહ્મણો આ દૈત્યનો ઉત્પાત જોઈ ખૂબ જ દુઃખી થયા. ત્યારે વેદપ્રિયે તેમને કહ્યું આપણી પાસે દુષ્ટોને ડરાવનારૂં મોટું સૈન્ય નથી તેથી આપણે સૌ શિવની આરાધના કરીએ તે જ આપણું રક્ષણ કરશે અને સૌ શિવપૂજામાં મગ્ન રહેવા લાગ્યા. તેમની શિવપૂજા જોઈ પાંચ વર્ષનો શ્રીકર નામનો એક ગોપબાળ શિવપૂજા તરફ આકર્ષાયો. તેણે એક સામાન્ય પત્થરની સ્થાપના કરી અને જેવી આવડી તેવી પૂજા કરતો થઈ ગયો. કહે છે કે એ શ્રીકરની શુદ્ધ સાધના જ હતી, કે જે કાળના પણ કાળ મહાકાળને ઉજ્જૈનીમાં લઈ આવી. આ બાજુ દૂષણને શિવપૂજાની જાણ થતા જ અસૂર સૈનિકોને આજ્ઞા કરી કે આ બ્રાહ્મણોને મારી નાખો અને તેઓ આવ્યા પરંતુ ગોપબાળ શ્રીકરની સાથે સૌ શિવભકિતમાં લીન હતા અને તેમનાથી કંઇ જ થયું નહીં, તેથી ભયભીત થયા અને અસૂરરાજ દૂષણ પાસે પહોંચ્યા. અત્યંત ક્રોધિત થઈને સૌને મારી નાંખવા તે આ સ્થળે આવ્યો અને શિવલિંગ પર પ્રહાર કર્યો. એ સમયે જ શિવલિંગ સ્થાને મોટો ખાડો થઈ ગયો અને ખાડામાંથી ભોળાનાથ હૂંકાર કરીને મહાકાલરૂપે પ્રગટ થયા. ભગવાન શિવે ત્રીજું નેત્ર ખોલતાની સાથે જ પ્રચંડ અગ્નિ જ્વાળા નીકળી ને દૂષણ દૈત્ય ત્યાં ને ત્યાં જ બળીને ભસ્મ બની ગયો અને એ ભસ્મથી આખા શરીરે ભોલેનાથે લેપ કર્યો અને સમગ્ર સૈન્યનો પણ નાશ કર્યો. ભગવાનનું આ અદ્દભુત ચરિત્ર જોઈને બધા મુનિગણ તથા દેવતાઓ પ્રસન્ન થયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઇ. પછી ભોળાનાથે પેલા બ્રાહ્મણો પર પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે તેમણે કહ્યું તમે અમને મુક્તિ આપી, સંસારસમુદ્રથી પાર ઉતારો તેમજ લોક રક્ષાર્થે તમે અહીં રહો. ગોપબાળ શ્રીકરને આશીર્વાદ આપીને ભોળાનાથ તે અતિશય ઊંડા ખાડામાં બિરાજ્યા અને શિવલિંગ સ્વરૂપે જ પ્રકટ થયાં. એ સદાશિવ મહાકાલેશ્વર નામે જાણીતા થયાં. શાસ્ત્રોમાં આ શિવલિંગની મહત્તાનું વર્ણન કરતા કહેવાયું છે કે, આકાશે તારકં લિંગમ્, પાતાલે હાટકેશ્વરમ્ । ભૂલોકે ચ મહાકાલો: લિંગમ્ ત્રય નમોડસ્તુતે ।। એટલે કે આકાશ, પાતાળ અને ભૂલોક પર સ્થિત મહત્વના ત્રણ શિવલિંગોમાં મહાકાલની ગણના ‘ભૂલોકના સ્વામી’ તરીકે થઈ છે. ઉજ્જૈનમાં તો મહાકાલ જ સર્વેસર્વા મનાય છે અને એટલે જ તો તે અહીં રાજાધિરાજ તેમજ અવંતિકાનાથ તરીકે પૂજાય છે. મહાકાલેશ્વરનું જ્યોતિર્લિંગ એ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે કે જે દક્ષિણાભિમુખ છે અને એટલે જ અહીં બિરાજમાન દેવાધિદેવ ‘દક્ષિણામૂર્તિ’ તરીકે પણ પ્રસિદ્ધ છે. સમગ્ર વિશ્વમાં મહાકાલ એ એકમાત્ર એવા દેવ મનાય છે કે જે અદભુત શણગાર સાથે વિવિધ સ્વરૂપોમાં ભક્તોને દર્શન દે છે. માત્ર આ જ મંદિરમાં રોજ સવારે ભસ્મ આરતી કરવામાં આવે છે. સવારે કપાટ ખુલ્યા પછી સૌથી પહેલાં ગર્ભગૃહની સફાઈ કરવામાં આવે છે. તે પછી ભગવાન મહાકાળને સ્નાન કરાવવામાં આવે છે. સ્નાન કર્યા પછી ભગવાનનો પંચામૃત અભિષેક કરવામાં આવે છે. અભિષેક કર્યા પછી શ્રદ્ઘાળુઓને ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવે છે. આ દરમિયાન કોટિતીર્થ કુંડથી લાવવામાં આવેલ જળ પૂજારી અને શ્રદ્ધાળુઓ શિવલિંગ ઉપર અર્પણ કરે છે, તેને હરિઓમ જળ કહેવામાં આવે છે. તે પછી બાબા મહાકાળની ભસ્મઆરતી થાય છે. આ આરતી સૂર્યોદય પહેલાં સવારે 4 વાગે કરવામાં આવે છે. શિવપુરાણ પ્રમાણે ભસ્મને તૈયાર કરવા માટે કપિલા ગાયના છાણા, પીપળો, વડ, ગરમાળો અને બોરના વૃક્ષની લાકડીઓને એકસાથે અગ્નિ આપવામાં આવે છે. મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ વસ્તુઓથી જે ભસ્મ તૈયાર થાય છે તેને કપડાંથી ચાળવામાં આવે છે. આ પ્રકારે તૈયાર કરેલી ભસ્મ શિવલિંગ પર અર્પિત કરવામાં આવે છે. શિવજી ભસ્મ ધારણ કરીને સંદેશ આપે છે કે જ્યારે આ સૃષ્ટિનો નાશ થશે, ત્યારે બધા જીવોની આત્માઓ પણ શિવજીમાં જ સમાહિત થઈ જશે. ભગવાન મહાકાળેશ્વર અંગે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે કે મહાકાળેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માત્રથી અકાળ મૃત્યુથી મુક્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કાળનો અર્થ છે મૃત્યુ અને જે મહાકાળ એટલે મૃત્યુના સ્વામીના ભક્ત હોય તેને અકાળ મૃત્યુથી કેવો ભય? એટલે ભગવાન મહાકાળેશ્વર અંગે આ વાક્ય પણ પ્રચલિત છે.
अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का।
काल उसका क्या करे जो भक्त हो महाकाल का।
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)