મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢ શહેરના ₹397 કરોડથી વધુના 91 વિકાસકાર્યોનું આજે વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ તેમજ ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. જુનાગઢ ખાતે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત તેના શહેરી વિકાસના કારણે વિશ્વ ફલક પર નામાંકિત થયું છે. રાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, ગરવા ગિરનારની ગોદમાં વસેલા નરસિંહ મહેતાના ઐતિહાસિક નગર જૂનાગઢમાં પણ અદ્યતન વિકાસની રાજ્ય સરકારની નેમ છે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વિકાસના કામોની ગુણવત્તા જાળવણી અને ગ્રીન ગ્રોથ પર ખાસ ભાર મુકવાની સાથોસાથ માનનીય વડાપ્રધાનશ્રીના #एक_पेड़_माँ_के_नाम અભિયાન અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 25,000 વૃક્ષો વાવવાના સંકલ્પને બિરદાવી જૂનાગઢવાસીઓને પણ તેમાં જોડાવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ હસનાપુર ડેમમાં એક કરોડ લીટર પાણીનો સંગ્રહ કરીને નવ બિલિયન વોટર ક્રેડિટ મેળવનાર એશિયાની પ્રથમ મહાનગરપાલિકા બનવાનું ગૌરવ પ્રાપ્ત કરવા બદલ જૂનાગઢ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા.