મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનને આગામી 75મા વન મહોત્સવ અંતર્ગત તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધી વેગવંતુ બનાવીને જનઆંદોલન સ્વરૂપ આપવા માટે વિવિધ લક્ષ્યાંક અંગે ચર્ચા કરવામાં આવી.
મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર-2024 સુધીમાં 12.20 કરોડ અને માર્ચ-2025 સુધીમાં કુલ મળીને 17 કરોડ વૃક્ષો વાવવાના લક્ષ્યાંક તેમજ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અંતર્ગત 100 દિવસમાં 30 લાખ વૃક્ષોના વાવેતરના લક્ષ્યાંક અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
આ અભિયાન હેઠળ ગુજરાતે અત્યાર સુધીમાં 4 કરોડ 3 લાખ 33 હજાર વૃક્ષો 33 જિલ્લાઓમાં વાવીને સમગ્ર દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે જે ‘ગ્રીન ગુજરાત’ના નિર્માણ બાબતે નાગરિકોની જાગરૂકતા અને સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.