નવી રક્તવાહિનીઓથી પોષાતી 4.5 કિલોની પેરાસાઈટિક ગર્ભાશયની ગાંઠનું સફળ ઓપરેશન
પેટના અન્ય અંગોમાંથી નવી રક્તવાહિનીઓ વિકસાવી હતી 4.5 કિલોની ગર્ભાશયની ગાંઠ;બારડોલીમાં જટિલ સર્જરી સફળ

પેરાસાઈટિક યુટેરાઈન ફાઇબ્રોઇડના દુર્લભ કેસમાં ભારે રક્તસ્ત્રાવનું જોખમ ટાળી તબીબોની ટીમે બચાવ્યો દર્દીનો જીવ.
ગર્ભાશયની ગાંઠ સામાન્ય રીતે ગર્ભાશય સુધી મર્યાદિત રહેતી હોય છે, પરંતુ કેટલાક અત્યંત દુર્લભ કિસ્સાઓમાં તે શરીરના અન્ય અંગોમાંથી નવી રક્તવાહિનીઓ વિકસાવી પોતાનો અલગ રક્ત પુરવઠો ઊભો કરી લે છે. આવી જ એક દુર્લભ અને જટિલ સ્થિતિમાં બારડોલીની ગેલેક્સી હોસ્પિટલમાં 43 વર્ષીય મહિલાના પેટમાંથી આશરે 4.5 કિલો વજનની પેરાસાઈટિક યુટેરાઈન ફાઇબ્રોઇડ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે.
મહિલા દર્દી લાંબા સમયથી પેટમાં અસામાન્ય સોજો, ભારેપણું, સતત દુખાવો, નાભીનું હર્નિયા અને દૈનિક જીવનમાં વધતી અસુવિધાથી પીડાઈ રહ્યા હતા. સોનોગ્રાફી, સીટી સ્કેન સહિતની તપાસમાં પેટમાં અસાધારણ કદની ગાંઠ હોવાનું સામે આવતાં ડૉ. ઉન્નતિ પટેલના માર્ગદર્શન હેઠળ સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઓપરેશન દરમિયાન તબીબોને જાણવા મળ્યું કે ગાંઠ માત્ર વિશાળ જ નહોતી, પરંતુ તેણે ઓમેન્ટમ અને મેસોકોલોનમાંથી નવી રક્તવાહિનીઓ વિકસાવી પોતાનો અલગ રક્ત પુરવઠો ઊભો કર્યો હતો. પરિણામે ગાંઠની આસપાસ મોટી સંખ્યામાં રક્તવાહિનીઓનું જાળું રચાયું હતું. આવી સ્થિતિમાં સર્જરી દરમિયાન ભારે રક્તસ્ત્રાવ થવાની શક્યતા હોવાથી ઓપરેશન અત્યંત પડકારજનક બન્યું હતું. સર્જનોએ તમામ ફીડિંગ રક્તવાહિનીઓને સાવધાનીપૂર્વક ઓળખી, નિયંત્રિત કરીને સુરક્ષિત રીતે બંધ કર્યા બાદ ગાંઠને સંપૂર્ણપણે દૂર કરી હતી.
આ સર્જરીમાં ડૉ. ઉન્નતિ પટેલ (ગાયનેકોલોજીસ્ટ), ડૉ. રોનક ચૌધરી (સર્જન), ડૉ. સંદીપ શ્રોફ (એનેસ્થેટીસ્ટ) તેમજ ઓપરેશન થિયેટરની ટીમે સંકલિત કામગીરી કરી હતી. સર્જરી બાદ દર્દીની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.
ડૉ. ઉન્નતિ પટેલના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી શરીરમાં રહેલી આવી ગાંઠો આસપાસના અંગો પર દબાણ ઊભું કરે છે અને કેટલીક વખત પોતાનો અલગ રક્ત પુરવઠો વિકસાવી લેતી હોવાથી સર્જરી વધુ જટિલ બની જાય છે. જોકે સમયસર નિદાન અને યોગ્ય સર્જિકલ આયોજનથી આવા દર્દીઓની સફળ સારવાર શક્ય બને છે.હાલ ગાંઠને હિસ્ટોપેથોલોજીની તપાસ માટે મોકલવામાં આવી છે. તેનો અહેવાલ આવ્યા બાદ ગાંઠનું અંતિમ સ્વરૂપ સ્પષ્ટ થશે. ગેલેક્સી હોસ્પિટલમાં પાર પડેલી આ જટિલ સર્જરી તબીબી ક્ષેત્રે નોંધપાત્ર સફળતા માનવામાં આવી રહી છે.
બોક્સ | આ લક્ષણોને અવગણશો નહીં
પેટમાં સતત સોજો રહેતો હોય, પેટનું કદ અચાનક વધતું હોય, ભારેપણું, સતત દુખાવો, ભૂખમાં ઘટાડો, શ્વાસ લેવામાં તકલીફ અથવા વારંવાર અસ્વસ્થતા અનુભવાતી હોય તો તેને સામાન્ય સમસ્યા માની અવગણવી નહીં. સમયસર સોનોગ્રાફી, સીટી સ્કેન અને જરૂરી તપાસ કરાવવાથી મોટી ગાંઠનું વહેલું નિદાન થઈ શકે છે અને યોગ્ય સમયે સર્જરી દ્વારા ગંભીર જટિલતાઓ ટાળી શકાય છે..






