*ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ, જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી કરવામાં આવી
—-
જનજાતિય ગૌરવ યાત્રાનું માંગરોળના મોસાલી ખાતે આગમન થતા આદિજાતિ વિકાસમંત્રી નરેશભાઈ પટેલે ભવ્ય સ્વાગત કર્યું હતું

——
રમત-ગમત રાજ્યમંત્રી ડો.જયરામભાઈ ગામીત, પાણી પુરવઠા અને જળ સંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલ, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ
——-
મોસાલી ખાતે સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડા અને ટંટ્યા ભીલની મૂર્તિનું મહાનુભાવોના હસ્તે અનાવરણ

——-
*રથયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ નાયબ દંડક વિજયભાઈ પટેલ, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ સહભાગી થયા*
——-
બ્યુરો-સુરત,બુધવારઃ- ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે આયોજિત ‘જનજાતીય ગૌરવ રથયાત્રા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ખાતે આવી પહોંચી હતી. જ્યાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ અને ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

મોસાલી ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગવાન બિરસા મુંડા અને ટંટ્યા ભીલની મૂર્તિનું મહાનુભાવોના હસ્તે અનાવરણ કરાયું હતું.
આ પ્રસંગે આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અનેક શૂરવીરોએ આઝાદીના સંગ્રામમાં પોતાના બલિદાનો આપ્યા હતા. ભગવાન બિરસામુંડાએ આપેલા યોગદાનથી નવી પેઢી અવગત થાય તેવા આશયથી ૧૫મી નવેમ્બરને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં થનાર ઉજવણીમાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. સરકારે આરોગ્ય, શિક્ષણથી લઈને અનેકવિધ યોજનાઓના લાભો આદિવાસી વિસ્તારોમાં પહોંચતા કર્યા છે. આવનારા સમયમાં આદિવાસી લોકબોલીઓના સંવર્ધન માટે પણ સરકાર કાર્ય કરશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
આ અવસરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ ભારતની ધરતી પરથી અંગ્રેજોને ખદેડવા માટે લડાઈ લડી સંઘર્ષ કર્યો હતો. તેમની જીવનયાત્રા આપણાં માટે પ્રેરણાસ્ત્રોત છે. બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે યોજાતી આ ગૌરવ યાત્રા આપણા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સંઘર્ષ અને સ્વાભિમાનની યાદ અપાવે છે.
તેમણે જણાવ્યું કે માંગરોળમાં તાપી નદીના કિનારે માંગરોળ કિલ્લાના અવશેષો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી છે. આ સ્થાન આપણા ઇતિહાસને જીવંત રાખી રહી છે.
બારડોલી સત્યાગ્રહનો ઉલ્લેખ કરતાં શ્રી વિશ્વકર્માએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે ધર્મ અને કર્મના માર્ગે ચાલીને રાષ્ટ્રધર્મ અને સ્વાભિમાન માટે લડત આપવાની પ્રેરણા આપી હતી. ભગવાન રામે માતા-પિતાની આજ્ઞાનું પાલન કરી ૧૪ વર્ષ વનમાં વિતાવ્યાં ત્યારે આદિવાસી ભાઈઓએ તેમની સેવા કરી હતી. આ ઉદાહરણ આપણાં સંસ્કાર અને પરંપરાના પ્રતિક છે.
આધુનિક ટેક્નોલોજીના યુગમાં યુવા પેઢીએ પોતાની સંસ્કૃતિ અને પરંપરા જીવંત રાખવી તે ખૂબ જ જરૂરી છે. મોબાઇલ અને આધુનિકતાની વચ્ચે પણ આધ્યાત્મિકતા સાથે જોડાઈ રહેવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ આઝાદીની લડાઈમાં ભગવાન બિરસા મુંડાના યોગદાનને યાદ કરી આદિજાતિ સમાજનું રાષ્ટ્ર માટે યોગદાન અમૂલ્ય છે. પ્રકૃતિ સાથે જોડાયેલો આ વર્ગ રાષ્ટ્ર માટે બલિદાન પણ આપી શકે છે, એ બિરસા મુંડાએ સાબિત કર્યું છે.
આ પ્રસંગે માંડવી પ્રાયોજના વહીવટદાર સુનીલકુમારે સ્વાગત પ્રવચન કરીને જનનાયક બિરસા મુંડાએ દેશ માટે આપેલા બલિદાન વિગતો આપીને સૌને આવકાર્યા હતા.
આ વેળાએ મંત્રી તથા પદાધિકારીઓએ દેવમોગરા માતા તથા ભગવાન બિરસામુંડાનું પુજન અર્ચન કર્યુ હતું. મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે રમતગમત ક્ષેત્રે જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર રમતવીરો, ચિત્રસ્પર્ધાના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ, વન અધિકારપત્રો, સમાજ સુરક્ષા તથા પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે રમત ગમત રાજ્યમંત્રી ડો.જયરામભાઈ ગામીત, પાણી પુરવઠા અને જળસંપત્તિ રાજ્ય ઈશ્વરભાઈ પટેલ, વિધાનસભા નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલ, જિ.પં. પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય સર્વશ્રી સંદીપભાઈ દેસાઈ, મોહનભાઈ ઢોડિયા, જિ.સંગઠન પ્રમુખ ભરત રાઠોડ, મહામંત્રી કિશનભાઇ, જિગરભાઈ, તા.પં.પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦-






