બારડોલીના એક ખેડૂત દંપતીની ૮ વીઘા જમીન ₹૯૦ લાખમાં વેચવાનો સોદો કર્યો દલાલ ઝડપાયો
તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલી બારડોલીના એક ખેડૂત દંપતીની ૮ વીઘા જમીન ₹૯૦ લાખમાં વેચવાનો સોદો કરી, ₹૫૫.૫૦ લાખ પડાવી લીધા બાદ તેનો દસ્તાવેજ ન કરી આપી વિશ્વાસઘાત કરવા બદલ જમીન માલિક દંપતી અને દલાલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ગુનામાં જમીન માલિક અને દલાલની ધરપકડ કરી છે.
કામરેજના ત્રિલોક સોસાયટીમાં રહેતા અને ખેતી તેમજ જમીનની લે-વેચનું કામ કરતા રાહુલ જમનભાઈ પાંચાણીની ઓળખાણ જમીન દલાલી કરતા બળવંત ઉર્ફે બલ્લુ દસ્તાન ધનજીભાઈ કંથારીયા (રહે. લેક સિટી, બારડોલી) સાથે થઈ હતી. અગાઉ બલ્લુ દસ્તાને રાહુલ પાંચાણીને જમીન અપાવી દસ્તાવેજ કરાવી આપ્યો હોવાથી બંને વચ્ચે વિશ્વાસ અને ભરોસો હતો.
વર્ષ ૨૦૨૪માં, બલ્લુ દસ્તાને રાહુલ પાંચાણીને વાલોડ ખાતે આવેલી મનીષ મનુભાઈ પટેલ (રહે. પૂજા પાર્ક, બારડોલી)ની ૮ વીઘા જમીન વેચવાની હોવાનું જણાવ્યું. રાહુલ પાંચાણીએ જમીન જોયા બાદ તેમને તે ગમી જતાં મનીષ પટેલ સાથે ₹૯૦ લાખમાં સોદો નક્કી કર્યો. આ સોદા પેટે દલાલી તરીકે બલ્લુ દસ્તાનને ₹૨ લાખ ચૂકવવાના હતા.
શરૂઆતમાં, મનીષ પટેલને જમીનના વેચાણ પેટે ₹૪૦ લાખ રોકડા ચૂકવવામાં આવ્યા હતા. ત્યારબાદ, નાણાંની જરૂરિયાત હોવાનું જણાવી જમીન માલિક મનીષ પટેલ અને દલાલ બળવંત ઉર્ફે બલ્લુ દસ્તાને કુલ ₹૫૫.૫૦ લાખ લીધા હતા. આ દરમિયાન, રાહુલ પાંચાણીએ નોટરી રૂબરૂ સાટાખત નોંધણી કરાવી હતી, જેમાં ઓળખ આપનાર તરીકે બળવંત ઉર્ફે બલ્લુ દસ્તાને સહી કરી હતી.
મનીષ પટેલ અને બલ્લુ દસ્તાનને પૈસા ચૂકવી દીધા હોવા છતાં, રાહુલ પાંચાણીએ વારંવાર દસ્તાવેજ નોંધણી કરાવવાનું કહ્યું અને વાલોડ રજીસ્ટ્રાર કચેરી ખાતે ટોકન પણ લીધા. તેમ છતાં, મરણ પ્રસંગમાં ગયા હોવાનું જણાવીને દસ્તાવેજ કરી આપવામાં આવ્યો નહીં.
આખરે, રાહુલ પાંચાણીએ વાલોડ પોલીસમાં બક્ષુ દસ્તાન, મનીષ પટેલ અને આ યામિની પટેલ વિરુદ્ધ ₹૫૫.૫૦ લાખ લઈને જમીનનો દસ્તાવેજ નહીં કરી આપવા અંગે ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી. પોલીસે આ ફરિયાદના આધારે બળવંત કંથારીયા અને મનીષ પટેલની ધરપકડ કરી છે અને PI એમ.એમ. ગીલાતરે વધુ તપાસ હાથ ધરી છે.
સાટાખતમાં માલિકનો ફોટો બદલવા મામલે પણ પોલીસ તપાસ શરૂ
પોલીસ તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે સાટાખતમાં જમીન માલિક યામિનીના બદલે અન્ય મહિલાનો ફોટો લગાવવામાં આવ્યો હતો. પોલીસે સાટાખતમાં લગાવેલા ફોટા અંગે પણ તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત, મનીષ પટેલે અગાઉ આ જમીન નૈષધ પંકજભાઈ રાઠોડ (રહે. અસ્તાન, તા. બારડોલી) ને ₹૧૧ લાખ લઈને સાટાખત કરી આપેલું હતું. આ મામલે પણ પોલીસે નૈષધ રાઠોડની પૂછપરછ કરી જરૂરી પુરાવા મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી
દરેક પણ પ્રકાર ની જાહેરાત માટે સંપર્ક કરો
તંત્રી : હિમાંશુ ઠાકોર : 9016924808






