સુરત : જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને નાગરિકોની સુરક્ષા જાગૃત્તિ અંગે મોકડ્રીલના આયોજન અંગે બેઠક યોજાઈ
—–
*તા.૭મીએ સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે: સાંજે ૪.૦૦ વાગ્યે સાયરન વાગશે: રાત્રે ૭.૩૦ થી ૮.૦૦ દરમિયાન બ્લેક આઉટ કરવામાં આવશે*
——
*સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત્ત રાખવા માટે મોકડ્રિલ ‘ઓપરેશન અભ્યાસ’ યોજાશે: જિલ્લા કલેક્ટર*
——-
*નાગરિકોને ભયભીત ન થવા અને અફવાથી દૂર રહેવા પ્રશાસનની અપીલ*
—–
*લોકોને સતર્ક અને જાગૃત્ત કરવા માટે ‘ઓપરેશન અભ્યાસ’ મોકડ્રીલ*
——
*બ્લેક આઉટમાં નાગરિકોને ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખવા અપીલ*
——
માહિતી બ્યુરો,સુરત:મંગળવાર: પહેલગામ હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તા.૭ મેના રોજ નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો હતો. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મોકડ્રીલના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે આયોજિત બેઠક અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, મોકડ્રીલ દ્વારા આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે એ મુખ્ય હેતુ છે. તા.૭મીએ સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે. સાંજે ૪.૦૦ વાગ્યે સાયરન વાગશે. રાત્રે ૭.૩૦ થી ૮.૦૦ દરમિયાન બ્લેક આઉટ કરવામાં આવશે. સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત્ત રાખવા માટે મોકડ્રીલ યોજાવાની હોવાથી નાગરિકોએ ભયભીત ન થવા, અફવાથી દૂર રહેવા તેમણે ભારપૂર્વક કહ્યું હતું.
મોકડ્રીલ એ માત્ર લોકોને સતર્ક અને જાગૃત્ત કરવાનો સામૂહિક અભ્યાસ હોવાથી ‘ઓપરેશન અભ્યાસ’ નામ આપવામાં આવ્યું છે એમ જણાવી કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, સુરક્ષા તંત્ર અને નાગરિકોની પૂર્વતૈયારીનો ઓપરેશન અભ્યાસનો હેતુ છે. સુરત શહેર અને જિલ્લાના પાંચ થી છ સ્થળોએ મોકડ્રીલ યોજાશે, જેમાં કટોકટીની સ્થિતિમાં સંભવિત હવાઇ હુમલા, આગ જેવા કિસ્સામાં બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા, ફસાયેલાં વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવશે. ઈમરજન્સી સેવાઓ શરૂ રહેશે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે કહ્યું કે, જાહેર સલામતી માટે ઓપરેશન અભ્યાસ- મોક ડ્રિલ માટે પોલીસ તંત્ર સજ્જ છે. બ્લેક આઉટ દરમિયાન તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે. લોકોએ ભયભીત ન થવા અપીલ કરી હતી. રેસ્ક્યુ, બચાવ, રાહત માટે પોલીસ, આરોગ્ય સેવા, ફાયર સહિતના મહત્વના વિભાગોને સતર્ક રાખવા માટે પોલીસ તંત્રની તૈયારીઓ વિષે વિગતો આપી હતી.
મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, શહેરી વિસ્તારના ૫૧ સ્થળોએ તેમજ ઇન્ડસ્ટ્રીઝ તેમજ સાયરન ધરાવતા સ્થળો, એકમોમાં સાયરન વાગશે. સાંજે ૭.૩૦ થી ૮.૦૦ ના બ્લેક આઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ,આઉટડોર ડિસ્પ્લે બોર્ડસ, હોર્ડિંગ્સ, દુકાનો શોરૂમ્સની નિયોન સાઈન લાઇટ્સ, ટ્રાફિક સિગ્નલો, ઇન્ડસ્ટ્રીઝની લાઈટ્સ, ઘરની લાઈટ્સ બંધ રહેશે. લોકોએ ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખે તેવી અપીલ કરી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ વડા હિતેષ જોઈસર, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, પ્રાંત અધિકારી વિક્રમ ભંડારી સહિત પોલીસ, આરોગ્ય સેવા, ફાયર સહિતના મહત્વના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
.
*નાગરિક સંરક્ષણ તાલીમ અંતર્ગત નિમ્ન બાબતો પર મોકડ્રિલ થશે*
. . . . . . . . . . . . . . . . .
૧. હવાઈ હુમલા દરમિયાન નાગરિકોને ચેતવણી આપવા માટે સાયરન વગાડવું.
૨. નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને દુશ્મન દેશ દ્વારા હુમલાના કિસ્સામાં સ્વ બચાવ અને સલામતીના ધોરણો અપનાવવા માટે તાલીમ પ્રદાન કરવી.
૩. હુમલાના કિસ્સામાં કેવી રીતે બચવું? તેના પગલાં વિશે લોકોને માહિતી અને તાલીમ આપવી.
૪. યુદ્ધના સમયે મહત્વના સ્થળો/સ્થાપત્યોને હુમલાથી બચાવવાનો પ્રયાસ કરવો અને તેના માટે તાલીમ આપવી.
૫. હુમલાના કિસ્સામાં ઈવેક્યુએશન પ્લાનનો અમલ અને રિહર્સલ કરવા.
.
*સુરક્ષાનું સાયરન: આટલું ધ્યાન રાખો*
. . . . . . . . . . . . . . . .
– યુદ્ધ સાયરન દરમિયાન લેવાના મહત્ત્વના પગલાં
– સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં, શાંત રહીને સુરક્ષા વ્યવસ્થાનું પાલન કરશો.
– ૫ થી ૧૦ મિનિટ માટે સુરક્ષિત સ્થાન પર જતા રહો.
– ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો.
– અફવાઓ પર ધ્યાન ન આપો. ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરો.
– જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : સુરત :9016924808 : તંત્રી હિમાશુસિંહ ઠાકોર






