મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે મહાત્મા મંદિર ખાતે જાપાનના શીઝુઓકા પ્રીફેક્ચરના માનનીય ગવર્નર શ્રી સુઝુકી યાસુતોમો, ડેલિગેશનના મેમ્બર્સ, રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ‘ગુજરાત શીઝુઓકા પાર્ટનરશીપ ડે’ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ અવસરે ગુજરાત રાજ્ય અને શીઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રી કરાર ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી સાથે શીઝુઓકા બિઝનેસ ઇન્ટર્ન પ્રોગ્રામ બાબતે, અમદાવાદ મહાનગરપાલિકા સાથે અમદાવાદ અને હમામાત્સુ શહેરો વચ્ચે પરસ્પર સહકાર બાબતે, રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ સાથે વર્સેટાઈલ માઇક્રો ઈ-મોબિલિટી પ્રોજેક્ટ બાબતે તથા સુઝુકી મોટર કોર્પોરેશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વચ્ચે MoU સંપન્ન થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ શીઝુઓકા પ્રીફેક્ચરના મહાનુભાવોને ગુજરાતની ભૂમિ પર આવકારતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સમાન વાઇબ્રન્ટ સમિટને પરિણામે જાપાન અને ગુજરાતના સંબંધોને વ્યાપક ફલક મળ્યું છે. તેમણે આ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જાપાનની સહભાગીતાની સાથોસાથ વિવિધ કરારોનો સંદર્ભ આપી જાપાનના બે રાજ્યો સાથે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.
ઇનોવેશન, સસ્ટેનેબિલિટી અને પીપલ સેન્ટ્રીક ડેવલપમેન્ટનું સમાન વિઝન ધરાવતા ગુજરાત અને શીઝુઓકા પ્રીફેક્ચરની વિવિધ ક્ષેત્રોમાં સામ્યતાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ આજે થયેલ કરારોથી વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટેની ઉત્તમ તકો તેમજ ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.