ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની ત્રિ-દિવસીય 11મી ચિંતન શિબિરનો રાજ્યના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ, કલેકટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી ચિંતન શિબિરની પરંપરામાં ઉત્તરોત્તર નવા સોપાનો સર કરવામાં ‘ટીમ ગુજરાત’ના સહયોગની સરાહના કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતે વિકાસની જે હરણફાળ ભરી છે તેને હજુ વધુ ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર આ ચિંતન શિબિર પૂરો પાડે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવયુ હતું કે, જનકલ્યાણ અને લોકસેવા સરકારનો ધ્યેયમંત્ર છે અને નાના કર્મચારીથી માંડીને મંત્રી સુધી સૌ તે દિશામાં અહર્નિશ કાર્યરત છે. આવાં કાર્યોને વધુ ઉત્તમ અને સફળ કઈ રીતે બનાવી શકાય તે માટેનું સામૂહિક મનોમંથન #ChintanShibir2024 માં થશે.