કચ્છના ઇતિહાસમાં એક અતિ મહત્વપૂર્ણ પુરાતત્વીય શોધ કરી છે..

  કચ્છ જે સ્થળને BSFના જવાનો વર્ષો સુધી માત્ર ‘ઉજાડગામ’ (Ujadagaon) તરીકે ઓળખતા હતા, તે આજે કચ્છના ઇતિહાસમાં એક અતિ મહત્વપૂર્ણ પુરાતત્વીય શોધ તરીકે સામે આવ્યું છે. ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા આ સૂમસામ વિસ્તારમાં થયેલા વૈજ્ઞાનિક અભ્યાસે સાબિત કર્યું છે કે અહીં ક્યારેય 11મીથી 14મી સદી દરમિયાન સમૃદ્ધ મધ્યયુગીન વસાહત અસ્તિત્વમાં હતી.

હાલ પુરાતત્વવિદોએ આ સ્થળને કામચલાઉ નામ ‘બરબાદગાંવ (Barbadgaon)’ આપ્યું છે, કારણ કે તેની મૂળ ઐતિહાસિક ઓળખ હજુ શોધવાની બાકી છે.

આ શોધની શરૂઆત 2023-24 દરમિયાન BSFની નિયમિત પેટ્રોલિંગ દરમિયાન થઈ હતી. જવાનોને રણ વિસ્તારમાં ઈંટોના અવશેષો અને અન્ય પ્રાચીન માળખાં દેખાતા તેમણે આ સ્થળને “ઉજાડગામ” નામ આપ્યું. ત્યારબાદ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી (KSKVK University) એ BSFના સહયોગથી પ્રથમ વૈજ્ઞાનિક સર્વે હાથ ધર્યો. બાદમાં University of Oxford, Physical Research Laboratory (PRL), Birbal Sahni Institute of Palaeosciences અને Deccan College Post-Graduate & Research Institute ના નિષ્ણાતો પણ સંશોધનમાં જોડાયા.

સંશોધન દરમિયાન ઈંટોથી બનેલા પરિસરો, પાથરેલા રસ્તાઓ, રહેણાંક માળખાં, માટીના વાસણો, સંગ્રહપાત્રો, તેલના દીવા, ટેરાકોટાના ચોખા કૂટવાના સાધનો, તાંબાનો સિક્કો અને ટેરાકોટાની ઊંટની પ્રતિમા સહિત અનેક મહત્વપૂર્ણ અવશેષો મળી આવ્યા છે. નિષ્ણાતોના મતે આ તમામ પુરાવાઓ દર્શાવે છે કે અહીં મોટી વસ્તી સાથે સુવ્યવસ્થિત જીવનશૈલી, કૃષિ અને વેપાર વિકસ્યા હતા.

ચોખા કૂટવાના સાધનો સૂચવે છે કે અહીં સ્થાનિક ‘ગાર્હા’ ચોખાની ખેતી થતી હશે, જ્યારે મોટા સંગ્રહપાત્રો દર્શાવે છે કે ખાદ્ય ઉત્પાદન, સંગ્રહ અને વેપાર અહીંના અર્થતંત્રનો મહત્વપૂર્ણ ભાગ હતા.

આ સ્થળેથી આશરે 100 માનવ કંકાલો ધરાવતું પ્રાચીન કબ્રસ્તાન પણ મળ્યું છે. સંશોધકોનું માનવું છે કે ભૂકંપ બાદ આ અવશેષો કુદરતી રીતે બહાર આવ્યા હશે. તમામ કંકાલોના માથા પશ્ચિમ દિશામાં હોવાથી તે સમયની દફનવિધિ અને સમાજ વિશે મહત્વપૂર્ણ માહિતી મળવાની આશા છે.

સંશોધકોનું વધુ એક મહત્વપૂર્ણ અનુમાન છે કે આજનો સૂકો વિસ્તાર ક્યારેક પ્રાચીન જળમાર્ગો દ્વારા અરબી સમુદ્ર સાથે જોડાયેલો હતો. નીચલા સિંધ પ્રદેશમાંથી Sir Creek તરફ વહેતા પ્રાચીન જળપ્રવાહો આ વસાહતને વેપાર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવતા હતા. એટલે આજની આંતરરાષ્ટ્રીય સરહદથી વહેંચાયેલો વિસ્તાર ક્યારેક એક જ સાંસ્કૃતિક અને આર્થિક પ્રદેશ હતો.

Share this post:

खबरें और भी हैं...

🚨 એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં ભાજપનો મેન્ડેટ નહીં, ખેડૂતો ના ડિરેક્ટરોનો નિર્ણય ચાલ્યો! 😱 બારડોલી સુગરમાં ચૂંટણી બાદ ચૂંટાયેલા ડિરેક્ટરોએ મેન્ડેટ પ્રથા વગર પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કર્યા.

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल