વિચારતા કરી દેવા એ વ્યંગની તાકાત છે !!!
દેશમાં Cockroach Janta Party – CJP- કોક્રોચ જનતા પાર્ટીએ ધૂમ મચાવી છે. આ વ્યંગાત્મક, ઓનલાઈન પોલિટિકલ મૂવમેન્ટ છે, જે વાસ્તવિક રાજકીય પાર્ટી નથી. આ ચૂંટણી પંચમાં નોંધાયેલી પરંપરાગત પાર્ટી નથી, પરંતુ દેશના યુવાનો, બેરોજગારો અને સોશિયલ મીડિયા યુઝર્સે સિસ્ટમ સામે કટાક્ષ કરવા માટે બનાવેલું એક ડિજિટલ પ્લેટફોર્મ છે. યુવાનો દ્વારા, યુવાનો માટે, યુવાનોનો રાજકીય મોરચો છે.

કોક્રોચ જનતા પાર્ટી, આવું નામ કેમ રાખ્યું? 15 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટમાં નકલી ડિગ્રીઓ અને પ્રોફેશનલ ક્રેડિટના એક કેસની સુનાવણી દરમિયાન, ભારતના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે એક ટિપ્પણી કરી હતી કે, “કેટલાક યુવાનો કોક્રોચ (વાંદા) જેવા હોય છે, જેઓ બેરોજગાર છે, કામ કરતા નથી, તેઓ મીડિયા, સોશિયલ મીડિયામાં જોડાય છે, કે RTI એક્ટિવિસ્ટ બની જાય છે અને દરેક પર હુમલો કરવાનું શરૂ કરી દે છે…” આ ટિપ્પણી સામે દેશના યુવાનો અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો. લોકોએ આ અપમાનને એક હથિયાર બનાવ્યું અને વિરોધના પ્રતીક તરીકે ‘કોક્રોચ જનતા પાર્ટી’ની જાહેરાત કરી દીધી.
આ ડિજિટલ મોરચાની શરૂઆત 16 મે 2026ના રોજ બોસ્ટનથી ભણેલા પોલિટિકલ કમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ અને આમ આદમી પાર્ટીના પૂર્વ સોશિયલ મીડિયા કાર્યકર 30 વર્ષના અભિજીત દીપકે (Abhijeet Dipke) દ્વારા એક્સ (X – ટ્વિટર) પર કરવામાં આવી હતી. તેમણે તમામ ‘કોક્રોચો’ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આ હેન્ડલ અને સત્તાવાર વેબસાઇટ લોન્ચ કરી.
શરૂઆતમાં આ માત્ર એક મીમ (Meme) ટ્રેન્ડ હતો, પરંતુ ધીમે-ધીમે રાજકીય નેતાઓ અને હસ્તીઓ પણ આ કટાક્ષમાં જોડાવા લાગ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ફાયરબ્રાન્ડ સાંસદ મહુવા મોઇત્રા/ TMCના સાંસદ અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ/ Hotmailના સહ-સ્થાપક અને જાણીતા ટેક ઉદ્યોગસાહસિક સબીર ભાટિયા/ વકીલ સંજય હેગડે/ ઈતિહાસકાર રામચંદ્ર ગુહા વગેરે જોડાયા છે.

આ પાર્ટીએ સોશિયલ મીડિયા પર સભ્યપદના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સત્તાવાર ઓનલાઈન ફોર્મ દ્વારા અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ લોકો સભ્ય તરીકે નોંધણી કરાવી ચૂક્યા છે. માત્ર 3-4 દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર તેના 80 લાખથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે, જે ઘણી મોટી રાષ્ટ્રીય પાર્ટીઓ કરતાં પણ વધારે છે.
કોક્રોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો શું છે? જો કે આ પાર્ટી એક વ્યંગાત્મક આંદોલન છે, છતાં તેમણે સિસ્ટમની ખામીઓ પર પ્રહાર કરતો એક ગંભીર 5-પોઇન્ટ મેનિફેસ્ટો બહાર પાડ્યો છે:
[1] નિવૃત્તિ પછીના પદ પર પ્રતિબંધ: કોઈપણ ચીફ જસ્ટિસ (CJI) ને તેમની નિવૃત્તિ પછી પુરસ્કાર તરીકે રાજ્યસભાની સીટ કે કોઈ સરકારી પોસ્ટિંગ આપવામાં આવશે નહીં.
[2] પક્ષપલટુંઓ પર લગામ: જે પણ ધારાસભ્ય કે સાંસદ પોતાની પાર્ટી સાથે ગદ્દારી કરીને પક્ષપલટો કરે, તેના પર 20 વર્ષ સુધી કોઈપણ પ્રકારની ચૂંટણી લડવા કે જાહેર પદ ભોગવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાશે.
[3] 50% મહિલા અનામત: સંસદ અને કેબિનેટમાં મહિલાઓ માટે કોઈપણ પ્રકારના વિલંબ વિના સીધી 50% અનામત સીટો ફાળવવામાં આવશે.
[4] ચૂંટણી પંચની જવાબદારી: જો મતદાર યાદીમાંથી કોઈ કાયદેસરના સામાન્ય નાગરિકનું નામ ગાયબ થઈ જાય, તો તેને મોટી બેદરકારી ગણીને મુખ્ય ચૂંટણી કમિશનરની UAPA (આતંકવાદ વિરોધી કાયદા) હેઠળ ધરપકડ થવી જોઈએ.
[5] પારદર્શિતા અને ભંડોળ: આ પક્ષ સંપૂર્ણપણે RTI (માહિતી અધિકાર) હેઠળ જવાબદાર રહેશે. તે કોઈ અનામી દાન (Anonymous Donations), ઇલેક્ટોરલ બોન્ડ સ્વીકારશે નહીં, કે પીએમ કેર્સ જેવું કોઈ ‘સિક્રેટ કોક્રોચ કેર્સ ફંડ’ બનાવશે નહીં. કોર્પોરેટ મીડિયા (અંબાણી-અદાણી)ના લાઇસન્સ રદ કરવામાં આવશે!
કોણ જોડાઈ શકે? કોઈ પણ વ્યક્તિ જે સોશિયલ મીડિયા પર સિસ્ટમ સામે બોલવાની ક્ષમતા ધરાવતી હોય/ અન્યાય, શોષણ સામે અવાજ ઊઠાવી શકે તે સભ્ય તરીકે જોડાઈ શકે છે.
આ પાર્ટીનું ચૂંટણી પ્રતીક (Election Symbol) કટાક્ષયુક્ત છે. ચૂંટણી પ્રતીક ‘કોક્રોચ’ (વાંદો) છે. આ પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે અને તેના સમર્થકોનું કહેવું છે કે, જેમ દેશની સિસ્ટમ સામાન્ય જનતા અને બેરોજગાર યુવાનોને કચડવાનો પ્રયાસ કરે છે, તેમ છતાં તે લોકો ‘કોક્રોચ’ ની જેમ જ ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જીવતા રહેવાની અદભુત ક્ષમતા (Resilience) ધરાવે છે. તેથી, ચીફ જસ્ટિસે આપેલા અપમાનજનક નામને જ તેમણે ગર્વથી પોતાના પક્ષનું નામ અને પ્રતીક બનાવી દીધું છે. તાજેતરમાં આ પાર્ટીના કાર્યકરોએ કાળા પ્લેકાર્ડ પહેરીને અને હાથમાં કોક્રોચના સિમ્બોલ સાથે દિલ્હીમાં યમુના નદીની સફાઈનું આંદોલન પણ કર્યું હતું. યુવાનો સેટાયર દ્વારા બેરોજગારી/ મોંઘવારી / ભ્રષ્ટાચાર સામે અવાજ ઊઠાવી રહ્યા છે. ચૂંટણી પદ્ધતિ, પક્ષપલટો, નેતાઓની બેવડી નીતિ જેવા ગંભીર વિષયોને કટાક્ષ દ્વારા સરળતાથી લોકો સુધી પહોંચાડી શકાય છે. લોકોને હસતાં-હસતાં વિચારતા કરી દેવા એ વ્યંગની તાકાત છે. [20 મે 2026]
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર : 9016924808






