*રસ્તા પર ભટકતી માનસિક રીતે અસ્થિર મહિલાને અભયમ ટીમ બારડોલી દ્વારા સુરક્ષિત આશ્રય અપાયો*
સમાજમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ સામે આવે છે, જ્યાં કોઈ વ્યક્તિને માત્ર સહાનુભૂતિ નહીં પરંતુ સમયસર મદદ અને સુરક્ષાની પણ જરૂર હોય છે. આવી જ એક ઘટના કડોદરા પંથકમાં સામે આવી હતી, જ્યાં અડધી રાત્રિના સમયે એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ હેલ્પલાઇન પર કોલ કરીને જાણ કરવામાં આવી હતી કે એક મહિલા છેલ્લા બે-ત્રણ દિવસથી રસ્તા પર આમતેમ ભટકી રહી છે અને મદદની જરૂર જણાય છે.

માહિતી મળતાની સાથે જ 181 અભયમ બારડોલી ટીમના કાઉન્સેલર તૃપ્તિ પટેલ, મહિલા કોન્સ્ટેબલ શીલાબેન ચૌધરી અને પાયલોટ નિકુંજભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચી ટીમે જોયું કે મહિલા રસ્તાના ફૂટપાથ પર બેઠેલી હતી. ટીમ દ્વારા મહિલાનો સંપર્ક કરી વાતચીત અને કાઉન્સેલિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ મહિલા માનસિક રીતે અસ્થિર જણાતા તેઓ કોઈ સ્પષ્ટ માહિતી આપી શકતા નહોતા તેમજ યોગ્ય પ્રતિસાદ પણ આપી રહ્યા નહોતા.
મહિલાની સ્થિતિ અને અડધી રાત્રિના સમયે રસ્તા પર રહેવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમે તેમની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપી હતી. મહિલાને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવો ન પડે તેમજ તેમને યોગ્ય સંભાળ, સુરક્ષા અને જરૂરી સહાય મળી રહે તે હેતુથી ટીમ દ્વારા નજીકના આશ્રય ગૃહનો સંપર્ક કરીને મહિલાને સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો હતો.
આ રીતે 181 અભયમ ટીમ દ્વારા એક માનસિક રીતે અસ્થિર મહિલાને રસ્તા પર ભટકતું જીવન જીવવા કરતાં સુરક્ષિત અને સન્માનપૂર્ણ જીવન તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું, જે માનવતા અને સામાજિક જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી : 9016924808 : તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર.






