*પ્રેમ સંબંધમાં ફસાઈ લગ્ન કરવાની જીદ કરનાર 16 વર્ષની સગીરાનું 181 અભયમ ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ*
*સગીરાને કાયદાકીય સમજણ આપી દાદી સાથે સુરક્ષિત રીતે પુનઃસ્થાપિત કરાઈ*
બારડોલી તાલુકામાં રહેતી 16 વર્ષની સગીરા પ્રેમ સંબંધને કારણે નાબાલિક વયે લગ્ન કરવાની જીદ પર અડગ રહેતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. સગીરાની દાદી દ્વારા સમજાવટ છતાં સગીરા કોઈ વાત માનવા તૈયાર ન હોવાથી અંતે પરિવારજનોએ મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.
181 અભયમ મહિલા હેલ્પલાઇન બારડોલી ટીમ સ્થળ પર પહોંચી પરિવારજનો પાસેથી સમગ્ર હકીકત જાણી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સગીરાને છેલ્લા બે વર્ષથી એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને તે યુવક સાથે લગ્ન કરીને રહેવાની જીદ કરી રહી હતી. સગીરા અગાઉ પણ આશરે 15 દિવસ પહેલાં યુવક સાથે ઘરેથી નીકળી ગઈ હતી. આજ રોજ ફરી યુવકના ઘરે પહોંચી જતા પરિવાર ચિંતિત બન્યો હતો.
181 ટીમ દ્વારા સગીરાનું સંવેદનશીલ અને કાયદાકીય દૃષ્ટિએ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા સગીરાને સમજાવવામાં આવ્યું કે હાલ તેઓ નાબાલિક હોવાથી કાયદા મુજબ લગ્ન કરવું ગુનો ગણાય છે. સાથે જ બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ, બાળ સુરક્ષા અને ચાઇલ્ડ વેલફેર સંબંધિત જોગવાઈઓ અંગે માહિતી આપવામાં આવી હતી. વધુમાં સગીરાને શિક્ષણનું મહત્વ સમજાવી ભવિષ્ય પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ અપાયો હતો.
કાઉન્સેલિંગ બાદ સગીરાએ પોતાની ભૂલ સ્વીકારી હતી તથા હાલ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને પુખ્ત વય પ્રાપ્ત થયા બાદ જ લગ્ન અંગે નિર્ણય લેવાની લેખિત બાહેધરી આપી હતી. સગીરાએ પરિવારજનોના માર્ગદર્શન મુજબ ચાલવાની ખાતરી આપતા 181 અભયમ ટીમ દ્વારા પરિવાર સાથે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.






