બારડોલીમાં સ્વાભિમાન ગ્રુપ દ્વારા 6,000થી વધુ જોડી કપડાંનું વિતરણ
14 વર્ષથી અવિરત સેવાયજ્ઞની પરંપરા જાળવી રાખી – પુરુષો, મહિલાઓ અને બાળકો માટે કપડાં વિતરણ

બારડોલી: ગુજરાતી નૂતન વર્ષના પવિત્ર અવસરે બારડોલીના સ્વાભિમાન ગ્રુપ દ્વારા માનવસેવાના ઉમદા આશય સાથે શહેરનાં ચાર અલગ-અલગ મંદિરો ખાતે વિશાળ કપડાં વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સેવાકાર્ય અંતર્ગત પુરુષો, મહિલાઓ તેમજ નાના બાળકો અને બાળકીઓ માટે 6,000થી વધુ જોડી કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકાર્ય બારડોલીના જલારામ મંદિર, ગોવિંદાશ્રમ મંદિર, રામજી મંદિર અને રોકડિયા હનુમાન મંદિર ખાતે યોજાયું હતું. ચારેય સ્થળોએ જરૂરિયાતમંદ પરિવારોને કપડાંનું વિતરણ કરી તેમના જીવનમાં નવા વર્ષની ખુશીઓ ઉમેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો…

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બારડોલી નગરપાલિકાના પ્રમુખ નીલમબેન વ્યાસ, અજીતસિંહ સુરમા, પ્રફુલ પટેલ, અમરસિંહ સોલંકી, મયુરિકા જાધવ, હિતેન્દ્ર પાંડે, ઠાકોર ચૌહાણ, અરવિંદ જાધવ, પરેશ પટેલ, કાંતિ રાઠોડ, હરેન્દ્રસિંહ વસવારિયા અને સંજયસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સ્વાભિમાન ગ્રુપ છેલ્લા 14 વર્ષથી સતત દિવાળી બાદ ગુજરાતી નૂતન વર્ષના અવસરે આ સેવાકીય પ્રવૃત્તિ કરતું આવ્યું છે. સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી તહેવારની ખુશીઓ પહોંચે અને દરેક વ્યક્તિ નવા વર્ષની ઉજવણી આનંદ અને આત્મસન્માન સાથે કરી શકે તેવા ઉમદા હેતુથી આ સેવાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે પણ અવિરત ચાલુ છે.
સ્વાભિમાન ગ્રુપના પ્રમુખ ચિરાગ જોશીના માર્ગદર્શન હેઠળ ગ્રુપના હોદ્દેદારો, કાર્યકરો અને સભ્યોએ આ સેવાકાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગ્રુપના સભ્યોના સહયોગ અને સેવાભાવના કારણે આ વિશાળ આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
છેલ્લા 14 વર્ષથી સતત ચાલી રહેલી આ પ્રવૃત્તિ માત્ર કપડાં વિતરણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમાજમાં માનવતા, સેવા, સમાનતા અને સામાજિક જવાબદારીની ભાવનાને જીવંત રાખવાનો એક ઉમદા પ્રયાસ છે.
સ્વાભિમાન ગ્રુપનો સંકલ્પ છે કે સમાજના જરૂરિયાતમંદ લોકોની સેવા અને સહાયની આ પરંપરા આવનારા વર્ષોમાં પણ અવિરત ચાલુ રાખવામાં આવશે.






