સારંગપુર BAPS મંદિરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી, નિમીત્તે ૧૬,૧૦૦ cc રક્ત એકત્ર કરવામાં આવી..
૨૯ જુલાઈ ૨૦૨૬, સારંગપુર (બોટાદ):
ઐતિહાસિક તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આજે વિશ્વવંદનીય આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ની અત્યંત ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગુરુભક્તિના આ પવિત્ર અવસરે દેશ-વિદેશમાંથી પધારેલા હજારો મુમુક્ષુઓ અને હરિભક્તોએ ગુરુહરિના પાવન દર્શન અને આશીર્વાદનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.

ગુરુપૂર્ણિમા નિમિત્તે સમગ્ર સારંગપુર પરિસર ગુરુભક્તિના રંગે રંગાયું હતું. ભક્તોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શ્રીચરણોમાં ભાવવંદના અર્પણ કરી હતી. સ્વામીશ્રીએ ઉપસ્થિત તમામ ભક્તોને આશીર્વાદ પાઠવતાં ભગવાન પ્રત્યે દ્રઢ નિષ્ઠા અને આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા આપી હતી.
BAPS સંસ્થાની ‘ભક્તિ સાથે સેવા’ ની પરંપરાને ચરિતાર્થ કરતા આ મહોત્સવના પાવન પ્રસંગે એક મહાન સેવાકાર્ય તરીકે રક્તદાન શિબિર (Blood Donation Camp) નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દર્દીઓની વહારે આવવાના આ ભગીરથ કાર્યમાં ભક્તો અને યુવાનોએ સ્વયંસ્ફુરિત રીતે ભાગ લીધો હતો.
આ રક્તદાન શિબિરનું મુખ્ય આકર્ષણ અને પ્રેરણાસ્રોત એ રહ્યો કે સંસ્થાના ત્યાગી સંતોએ પણ ઉત્સાહભેર પોતાનું રક્તદાન કર્યું હતું. આ શિબિર દરમિયાન કુલ ૧૬,૧૦૦ cc રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે આગામી સમયમાં જરૂરિયાતમંદ અને કટોકટીમાં મુકાયેલા અનેક દર્દીઓ માટે જીવનદાન સાબિત થશે.

શારીરિક સ્વાસ્થ્ય, સામાજિક ઉત્તરદાયિત્વ અને આધ્યાત્મિક સમર્પણનો આ અદ્ભુત ત્રિવેણી સંગમ જોઈને ઉપસ્થિત સૌ કોઈ ભાવવિભોર બન્યા હતા. સારંગપુરના આંગણે ઉજવાયેલો આ ગુરુપૂર્ણિમા ઉત્સવ જ્ઞાન, ભક્તિ અને માનવસેવાની નવી મિશાલ કાયમ કરી છે…
અહેવાલ :- કનુભાઈ ખાચર( બોટાદ
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર :- 9016924808







