બારડોલી :- ધંધામાં ભારે નુકસાનથી તણાવગ્રસ્ત દંપતિ માટે 181 અભયમ ટીમની સમયસર મદદ અને કુશળ કાઉન્સેલિંગથી દંપતિને માનસિક રાહત મળી…

*ધંધામાં ભારે નુકસાનથી તણાવગ્રસ્ત દંપતિ માટે 181 અભયમ બન્યું આશાનું કિરણ, કુશળ કાઉન્સેલિંગથી મળ્યો હાશકારો*

*ત્રણ માસથી આર્થિક સંકટ અને માનસિક તણાવમાં જીવતા પતિ-પત્નીને અભયમ ટીમે સાંત્વના, માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપી ઘરેલું વાતાવરણમાં ફરી સુખ-શાંતિ સ્થાપી અભયમ્ ટીમ ની સરાહનીય કામગીરી. 

આજરોજ 181 અભયમ હેલ્પલાઇન પર એક મહિલાનો કોલ પ્રાપ્ત થયો હતો, જેમાં તેમણે તેમના પતિ દ્વારા થતી હેરાનગતિ અંગે મદદની માંગણી કરી હતી. કોલ મળતાની સાથે જ અભયમ ટીમના કાઉન્સેલર તૃપ્તિ પટેલ, મહિલા પોલીસ શીલાબેન ચૌધરી અને પાયલોટ નીરવભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિતાની મુલાકાત લીધી હતી.

સ્થળ પર પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે મહિલા તેમના પતિ અને એક દીકરી સાથે રહે છે. દંપતિનો પોતાનો ઘરનો ધંધો હતો, પરંતુ ધંધામાં ભારે નુકસાન થવાથી છેલ્લા ત્રણ માસથી તેમના પતિ ઘરે જ રહેતા હતા. આર્થિક સંકટ અને ધંધાકીય ચિંતાને કારણે પતિ-પત્ની વચ્ચે વારંવાર વાદ-વિવાદ થતો હતો અને બંને સતત માનસિક તણાવ અનુભવતા હતા.

મહિલાએ ટીમને જણાવ્યું હતું કે ધંધાની ચિંતામાં રહેવાથી તેમના પતિ ઘણી વખત તેમને અયોગ્ય શબ્દો બોલતા હતા, જેના કારણે તેઓ પણ માનસિક ત્રાસનો ભોગ બની રહ્યા હતા. પીડિતાની આપવીતી સાંભળ્યા બાદ અભયમ ટીમ દ્વારા તેમના પતિનું સાંત્વનાપૂર્વક કુશળ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને જરૂરી સલાહ-સૂચન તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાઉન્સેલિંગ દરમિયાન મહિલાના પતિએ જણાવ્યું હતું કે ધંધામાં થયેલા નુકસાનની વાત તેમના મનમાં સતત બોજરૂપ બની રહી હતી, જેના કારણે તેઓ અંદરોઅંદર તૂટી રહ્યા હતા અને ડિપ્રેશન જેવી સ્થિતિમાં જીવતા હતા. આ કારણસર તેઓ પોતાની પત્ની અને દીકરીને યોગ્ય રીતે સંભાળી શકતા નહોતા, જેના પરિણામે ઘરનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું.

અભયમ ટીમના કુશળ કાઉન્સેલિંગથી પતિ-પત્નીના મન પર રહેલો ભાર હળવો થયો હતો અને બંનેએ હાશકારો અનુભવ્યો હતો. લાંબા સમયથી અંધકારમાં જીવતા આ દંપતિને અભયમ ટીમ દ્વારા આશાનું એક નવું કિરણ મળ્યું હતું.

મહિલાના પતિએ પણ બાંહેધરી આપી હતી કે તેઓ ટૂંક સમયમાં કોઈ અન્ય કામધંધો શોધી પરિવારનું ગુજરાન વ્યવસ્થિત રીતે ચલાવશે તેમજ પત્ની અને દીકરીને સારી રીતે સાચવશે.

આમ 181 અભયમ ટીમની સમયસર મદદ અને કુશળ કાઉન્સેલિંગથી દંપતિને માનસિક રાહત મળી હતી. અંતે દંપતીએ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल