અમદાવાદઃ ગુજરાત વિધાસનભાની ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડીને 156 બેઠકો જીતવામાં સફળતા હાંસલ કરી હતી. હવે ભાજપ ઈચ્છે છે કે લોકસભામાં પાર્ટી ફરી એકવાર 26એ 26 બેઠકો જીતીને હટ્રીક લગાવે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે પરંતુ ભાજપે હંમેશની જેમ તેની તૈયારીઓ અગાઉથી જ આરંભી દીધી છે. આ માટે બેઠકોના દોર પણ શરુ થઈ ગયા છે. જેમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે રાજ્યની કારોબારીની બેઠક મળી હતી જેમાં આ મુદ્દે પાટીલ દ્વારા વાત કરવામાં આવી હતી. પાટીલ પોતે પણ ગુજરાતના નવસારીના સાંસદ છે.
બે દિવસની કારોબારીની બેઠક યોજાઈ હતી, બેઠક અંગે વાત કરતા ગુજરાત ભાજપના જનરલ સેક્રેટરી વિનોદ ચાવડાએ જણાવ્યું કે, “બેઠકના અંતમાં પાટીલે કરેલા સંબોધનમાં કાર્યકર્તાઓને ફરી એકવાર ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો 2024માં જીતાડવાની પ્રતિજ્ઞા લેવા માટે કહ્યું હતું. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે વિરોધી ઉમેદવારો પોતાની ડિપોઝીટ પણ ગુમાવી દે તેવી હાર થવી જોઈએ.”
આ પણ વાંચોઃ
સુરતના આ ગામમાં આવનારાને વિદેશ આવ્યા હોવ તેવું લાગશે
આ સાથે પાટીલે કાર્યકર્તાઓને આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક ચૂંટણીમાં ભાજપની જીત માટેની કામગીરી આરંભી દેવા માટે જણાવ્યું હતું.
કારોબારીની બેઠકમાં પ્રજાને પાર્ટી તરફ આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પાછલા વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એન્ટી ઈન્કમ્બન્સી સહિતના મુદ્દાઓને માત આપી હતી અને 182માંથી 156 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ ચૂંટણીમાં 2017ની ચૂંટણીમાં આવેલી 99 બેઠકોમાં સૌરાષ્ટ્રમાં પડેલા ફટકા સહિત ઘણી બેઠકો પર કેસરિયો લહેરાવ્યો હતો. બળવાખોર નેતાઓના કારણે નુકસાન થવાની સંભાવના ઉભી થઈ હતી તેને પણ ભાજપે માત આપી હતી.
હવે આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કાર્યકર્તાઓને પ્રતિજ્ઞા લેવા માટે જણાવી દેવામાં આવ્યું છે જેથી જે મુદ્દાઓ છે તેને પ્રજા સમક્ષ લઈ જઈને લોકસભામાં તમામ 26 બેઠકો પર વિજયની હેટ્રીક લગાવી શકાય. સીઆર પાટીલે 17મી લોકસભા ચૂંટણીમાં નવસારીથી ચૂંટાયા હતા અને વર્ષ 2020માં તેમને રાજ્યના અધ્યક્ષ તરીકેની જવાબદારી ભાજપ દ્વારા સોંપવામાં આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર