કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે)ના સ્વર્ણ જયંતી વર્ષના પ્રસંગે, દેશભરના ૫૦૦ જેટલા કેવિકે દ્વારા ૨૩ થી ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન ‘કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ’ના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડુતોને મજબૂત બનાવવો, તેમને આધુનિક ખેતીની પદ્ધતિઓ સાથે પરિચિત કરાવવો અને કૃષિ નિષ્ણાતો, સરકારી પ્રતિનિધિઓ, અને નીતિનિર્માતાઓ સાથે સહયોગ વધારવો છે. આ કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ ઉજવણીનાં ભાગ રૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ, જી. ભરૂચ દ્વારા તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૪ નાં રોજ ચાસવડ ખાતે સંસદસભ્ય શ્રી મનસુખભાઈ વસાવાની વિશિષ્ટ હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડના વૈજ્ઞાનિકો દ્વારા નવીન ખેતી પ્રથાઓ સુધારણા માટે ટકાઉ ખેતી, અદ્યતન ખેતી પ્રથાઓ, સંસાધનોનું ટકાઉ સંચાલન અને ખેત ઉત્પાદકતા વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . બાગાયતી પાકોની ખેતી, નફાકારક પશુપાલન તેમજ જીલ્લાના મુખ્ય પાકો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કેવીકે દ્વારા થયેલ કામગીરી તથા તેના સફળ અમલીકરણ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનાં ઉદ્ઘાટક મનસુખભાઈ વસાવાએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવી રહેલ યોજનાઓ થી વાકેફ કર્યા હતા. ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા થતાં નિરંતર પ્રયત્નોની ઝલક આપી ભારતીય કૃષિના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ એવા વિવિધ વિષયો પર મંતવ્યો રજૂ કર્યા હતા. વધુમાં નફાકારક ખેતી અને પશુપાલન માટે મહિલાઓના યોગદાનની સરાહના કરી. પુરુષોને મહિલાઓ પ્રત્યે આદર રાખવા સૂચવ્યું. આદિવાસી ખેડૂત અને સમાજને આગળ લાવવા આગેવાનોને કઠોર પરિશ્રમ કરવા જણાવ્યું.
આ કાર્યક્રમમાં નેત્રંગ તથા વાલિયા તાલુકા પંચાયતનાં પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો, જીલ્લા પંચાયતનાં સભ્યો, આજુ બાજુના ગામના સરપંચશ્રીઓ તેમજ ૧૦૦ થી વધારે ખેડૂતો હાજર રહ્યા હતા
………………………………………………………………………………